Gujarat

દિવાળી પૂર્વે દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચએ દિવાળીના તહેવાર પૂર્વે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ભાદ્રોડ ગામમાંથી રૂ.1,12,280 ની કિંમતની 216 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે બે શખ્સોઓની ધરપકડ કરવામાં આવી છે.

આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ LCB સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે, ભાદ્રોડ ગામનો રવિભાઈ સૂર્યકાંતભાઈ જોષી તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરતો હતો. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન, સ્થળ પરથી ‘ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓન્લી’ લખેલી કંપની સીલપેક નાની-મોટી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે રવિભાઈ સૂર્યકાંતભાઈ જોષી ઉં.વ. 35, રહે. માયરો ઢોરો, ભાદ્રોડ, તા.મહુવા અને દર્શકભાઈ ભરતભાઈ જોષી ઉં.વ. 38, રહે. ગોકુળનગર, ભરતનગરની ધરપકડ કરી છે. આ કેસમાં સુરતના કતારગામનો લાલુ નામનો એક અન્ય આરોપી હજુ ફરાર છે અને તેને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે.