Gujarat

રાજકોટ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની તરઘડી ખાતે ગૌરવભેર ઉજવણી, ભાનુબેન બાબરીયા.

રાજકોટ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની તરઘડી ખાતે ગૌરવભેર ઉજવણી, ભાનુબેન બાબરીયા.

રાજકોટ શહેર તા.૧૫/૮/૨૦૨૫ ના રોજ રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયાની ઉપસ્થિતિમાં ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની ઉજવણી પડધરી તાલુકાના તરઘડી ખાતે ગૌરવભેર રીતે થઈ હતી. આ અવસરે મંત્રી દ્વારા પડધરી તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશને અર્પણ કરવામાં આવ્યો હતો. અહીંની પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે ૧૫મી ઓગસ્ટે સવારે ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન બાદ મંત્રીએ કલેકટર ડૉ.ઓમપ્રકાશ તથા જિલ્લા પોલીસવડા હિમકરસિંહ સાથે પરેડ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં પ્રજાજોગ સંબોધનમાં મંત્રી ભાનુબહેને સૌને ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી હતી. આ સાથે દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર સપૂતો, મહાપુરૂષોને શ્રદ્ધાંજલિ અર્પી હતી, તેમજ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં દિવંગત થયેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી અને પ્લેન દુર્ઘટનાના અન્ય મૃતકોને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. આતંકવાદ સામે ભારતીય સૈન્યે હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’ નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આ ઓપરેશને ભારતને એક કર્યો. તે ભારતના સશસ્ત્ર દળોની શક્તિ, ક્ષમતાનો પૂરાવો અને સંકલન શક્તિ દર્શાવે છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાની નેમ વ્યક્ત કરી છે, ત્યારે આ સંકલ્પને સાકર કરવા માટે ગુજરાત સારથીની ભૂમિકા ભજવવા તૈયાર છે. વિકસિત ગુજરાત @૨૦૪૭ના નિર્માણના સ્વપ્નને સાકાર કરવા માટે આર્થિક આયોજન પણ સુદ્રઢ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા વિવિધ મહાનુભાવોની જન્મજયંતિ તેમજ પ્રસંગોની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, ડૉ.બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાનના ૭૫ વર્ષની ઉજવણી રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કરવામાં આવશે. રાજ્ય સરકારના સુદ્રઢ નાણાકીય આયોજનની ઝાંખી આપતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ૩ લાખ, ૩૨ હજાર, ૪૬૫ કરોડનું બજેટ મંજૂર કરીને, સમાજના ચાર વર્ગો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ માટે રાજ્યમાં ૨૫ હજારથી વધુ સહાય જૂથોની રચના કરીને અઢી લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યમાં ડિસેમ્બર ૨૦૨૨થી લઈને અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ તથા ૮૦૦થી વધુ કેન્દ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં ગઈકાલે જ ૧૦૩ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત તથા ૬ આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ કરી બાળકોના ઉજવળ ભવિષ્ય માટે અર્પણ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં નમોશ્રી યોજના અંતર્ગત છેલ્લા ૭ માસમાં ૨૫ હજાર કરતા પણ વધુ સગર્ભા માતાઓને રૂ.૬.૪૩ કરોડની સહાય આપવામાં આવી છે. પાણી ક્ષેત્રે કેન્દ્ર તથા રાજ્ય સરકારની “પાણીદાર” કામગીરી અંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ જલજીવન મિશન અમલમાં મૂકીને દેશના દરેક ઘર સુધી “નળથી જળ” પહોંચાડવાનું શુભ કાર્ય કર્યું છે. સૌની યોજના એ વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં ૬.૫૫ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું. વંચિતોના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલી અસરકારક કામગીરીનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે અંદાજપત્રમાં રૂ.૬ હજાર ૮૦૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વિભાગની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના ૩૩૪ લાભાર્થીઓને આવાસ યોજના હેઠળ રૂ.૧૪૧ કરોડ ૨૦ લાખની સહાય આપવામાં આવી છે. અનુસૂચિત જાતિનાં બાળકો માટેના રાજકોટના મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય (એમ.જી.હોસ્ટેલ)ના યુનિટ એક તથા બેનું રૂ.૨૪.૩૦ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. રાજકોટમાં હાલ કુમાર તથા કન્યાઓ માટે બે સમરસ છાત્રાલય કાર્યરત છે તેમજ વધુ બે સમરસ છાત્રાલય માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. મંત્રીએ વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણમાં સમર્પિત થવા સૌને હાકલ કરી હતી. મંત્રીના પ્રવચન બાદ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધતામાં એકતા, પહેલગામ એટેક, ઓપરેશન સિંદૂરની થીમ સાથેની રાષ્ટ્રભક્તિસભર ગીતો સાથે સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. આ વેળાએ કેબિનેટ મંત્રીના હસ્તે જેતપુરના સ્વાતંત્ર્ય સેનાની ધીરજલાલ લક્ષ્મીશંકર રાવલના ધર્મપત્ની જશુમતીબહેન રાવલનું તથા જૂનાગઢના મેંદરડાના સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ જગજીવનદાસ વિઠ્ઠલાણીના દીકરા અશ્વિનભાઈનું સૂતરની આંટી, શાલ અને ચરખાની પ્રતિકૃતિ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર આશરે ૬૦થી વધુ નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના અવસરે ICDS કચેરી દ્વારા મિલેટ્સ વાનગીઓનું પ્રદર્શન, ખેતીવાડી કચેરી દ્વારા “નમો ડ્રોન દીદી” યોજના હેઠળ ડ્રોન નિદર્શન, રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન અને ગ્રામ્ય પોલીસ દ્વારા હથિયારોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રીએ આ તમામ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જવાહર નવોદય વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે “એક પેડ મા કે નામ અભિયાન” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબહેન રંગાણી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ હેતલબહેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, એ.એસ.પી. સિમરન ભારદ્વાજ, રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડા, તરઘડી સરપંચ પાયલબહેન, અગ્રણી નીલેશભાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250815-WA0105.jpg