૦૩/૧૦/૨૦૨૫
વન વિભાગ દ્વારા આયોજિત વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત યોજાયેલું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાવતા ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી
*વન્યજીવો આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બદલાતા યુગમાં તેમને સમજવા અને તેમનું સંરક્ષણ કરવું એ આપણી સર્વોચ્ચ જવાબદારી – ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી*
*વન્યજીવોના આકર્ષક ફોટોગ્રાફ્સની પ્રદર્શનીની મુલાકાત લેવા જાહેર જનતાને અપીલ*
ભરૂચ – શુક્રવાર – સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ દ્રારા નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ ખાતે વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત વન્યપ્રાણી ફોટો એક્ઝિબિશન કાર્યક્રમનું ભરૂચના ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રીને અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રસંગને અનુરૂપ સ્વાગત પ્રવચન દરમ્યાન ભરૂચના ડી.એ.ફો. ભાવના દેસાઈએ વન્યપ્રાણી સરકાર દ્વારા ઉજવાતા વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૫નો હેતુ દર્શાવતા કહ્યું હતું કે, પોષણ કડીમાં દરેક સજીવની જરૂરિયાત છે. મનુષ્યો પોતાની જરૂરિયાતો માટે આ કુદરતી કડીને તોડી રહ્યા છે, જે ગંભીર પરિણામો તરફ દોરી શકે છે. આ કડીનું સંતુલન જાળવવું એ સમયની માંગ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મનુષ્યો અને પ્રાણીઓએ આ પૃથ્વી પરના એકબીજાના સહ-અસ્તિત્વને સ્વીકારવું જોઈએ. વન્ય પ્રાણીઓ આપણી જવાબદારી છે, જેને આપણે સ્વિકારીને તેમની સુરક્ષા અને સંવર્ધન માટે આપણે સતત પ્રયાસ કરવા જોઈએ.
ફોરેસ્ટ પ્રદર્શન વિશે વાત કરતાં ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે, આ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ માનવ અને વન્યજીવ સૃષ્ટિના સદીઓ જૂના સંબંધોને ફરીથી સમજવાની એક તક છે. પ્રદર્શનમાં અંદાજિત ૨૦૦ થી વધારે વન્યજીવ ફોટોગ્રાફ્સ ગોઠવવામાં આવ્યા છે, જે પ્રકૃતિના જીવોની અદ્ભુત ક્ષણોને રજૂ કરે છે.
શ્રી મિસ્ત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સદીઓથી માનવ અને વન્યજીવો સાહજિક રીતે સહઅસ્તિત્વ ધરાવતા આવ્યા છે. ભારતની સામાજિક જીવનશૈલી, સંસ્કૃતિમાં વન અને વન્યજીવોને પણ એટલું સહજ રીતે વણી લેવામાં આવ્યું છે. જોકે, જીવન વ્યવસ્થા, ભૌગોલિક સ્થિતિ અને ઝડપી સામાજિક ફેરફારોને કારણે હવે આ સંબંધમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વન્યજીવો આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે. બદલાતા યુગમાં તેમને સમજવા અને તેમનું સંરક્ષણ કરવું એ આપણી સર્વોચ્ચ જવાબદારી છે.
જિલ્લાકક્ષા વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૫ની ઉજવણી દરમ્યાન ભરૂચ જિલ્લાના વન્યપ્રાણી ફોટોગ્રાફર્સ દ્વારા લીધેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શન માટે મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શની તા-૦૩/૧૦/૨૦૨૫ થી ૦૫/૧૦/૨૦૨૫ સુધી સવારે ૧૦.૦૦ થી ૫.૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે. જેથી જાહેર જનતાને મુલાકાત લેવા અપીલ કરવામાં આવી હતી.
આ તકે, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરના કાર્યની સરાહના અને પ્રોત્સાહન
કરતા તેમણે કહ્યું કે, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરો દિવસ-રાત મહેનત કરીને પ્રકૃતિની અને તેમાં વસતા જીવોની વિશિષ્ટ પળોને (Moments) પોતાના કેમેરામાં કંડારે છે. આવા પ્રદર્શનો દ્વારા તેમના આ અદ્ભુત કાર્યની પ્રસંશા (સરાહના) થાય છે.
આ પ્રદર્શન પ્રકૃતિ પ્રત્યે સંવેદના જગાડવાનું માધ્યમ બને છે. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ અને શાળાના બાળકોને આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરાય રહ્યા છે. સરકારના પ્રયત્નો થકી નવી પેઢીમાં જાગૃતિ સાથે શૈક્ષણિક સહભાગિતા વધારવાનો અને આવનારી પેઢીને પ્રકૃતિની મહત્તા સમજાય, તેનાથી માનવજીવન અને પશુ-પક્ષીઓના જીવન વચ્ચેનો સુમેળ જળવાઈ રહે, તેવી સમજ તેમનામાં કેળવાય એ આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રહેલો છે.
આ એક્ઝિબિશન વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરોને તેમના કામમાં પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. તેઓ પોતાના ફોટા દ્વારા સમાજમાં પ્રકૃતિના સંરક્ષણનો સંદેશો રજૂ કરે છે. આ ફોટોગ્રાફ્સ પ્રદર્શન થકી સમાજ પ્રકૃતિને સમજે અને તે અનુભવ કેળવે તે જરૂરી છે.
આ પ્રસંગે, કૃષિ કોલેજના પ્રિન્સિપલ શ્રી ડી. ડી. પટેલ, શિક્ષણાધિકારીશ્રી સ્વાતિબા રાઓલ, કપાસ સંસોધન કેન્દ્રના વડાશ્રી, ફોરેસ્ટ ઓફિસના સ્ટાફ અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા….. ન્યૂઝ રિપોર્ટર રાકેશ જી પાઠક ભરૂચ…