Gujarat

ભુજના માધાપરની ‘પપી કડલ્સ’માં શ્વાનની નાજૂક સ્થિતિ, ખડકો તોડવા વપરાતો વિસ્ફોટક હોવાની શક્યતા

ભુજ શહેરના કોટ વિસ્તારમાં એક ગંભીર ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. સુમરા ડેલી નજીક જૂના સ્વામિનારાયણ મંદિર પાસે એક શેરી કૂતરાએ વિસ્ફોટક પદાર્થને ખોરાક સમજી મોઢામાં લેતા તેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કૂતરાના જડબાના ચીંથરા ઉડી ગયા છે.

ગંભીર રીતે ઘાયલ થયેલા શ્વાનને માધાપર સ્થિત ‘પપી કડલ્સ’ સંસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સંસ્થાના સંચાલિકા દેવાંગી મહેતાના જણાવ્યા મુજબ, શ્વાનની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેના બચવાની શક્યતાઓ ઓછી છે.

સ્થાનિક રહેવાસી યુસુફભાઈના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે બપોરના સમયે બની હતી. આવા વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં ખડકો તોડવા અથવા ખેતરોમાં જંગલી પ્રાણીઓને ભગાડવા માટે થાય છે. આ પદાર્થ કોઈ વાહનમાંથી પડ્યો હોય અથવા કચરો વીણનારા લોકોએ ફેંકી દીધો હોય તેવી શક્યતા છે.

શહેર એ ડિવિઝન પોલીસે આ ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જણાવ્યું છે. જો કે, આવા વિસ્ફોટક પદાર્થથી માનવીય જીવને પણ જોખમ રહેલું છે, જેથી સુરક્ષા વિભાગે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.