Gujarat

સાયકલ રીક્ષા ભારતનું એક માનવશક્તિથી ચાલતું પ્રદુષણરહિત વાહન

આજના ઝડપી સેમી હાઈ-સ્પીડ યુગમાં આ સાયકલ રીક્ષા એક અનોખા ભારતનુ પ્રતિનિધિત્વ જ ગણાય.
આ પણ એક અનોખા ભારતનું પાસું છે. આપણે જ્યારે સેમી હાઈ સ્પીડ ટ્રેન અને સીક્સ લેન હાઈવેની વાત કરી રહ્યા છીએ ત્યારે હજુ ટ્રાન્સપોર્ટેશન માટે સાયકલ રીક્ષા જેવાં માનવશક્તિથી ચાલતાં વાહનો પણ જોવા મળે છે.
અરે જાપાન જેવા વિકસિત રાષ્ટ્ર પણ હવે પર્યાવરણના જતન માટે સતત જાગૃત રહે છે. અમુક વિસ્તારોમાં તો ત્યાં સાયકલ સિવાય કોઈ વાહન નથી લઈ જવાતું. હા, ઈમરજન્સી હોય તો વાહનો ચલાવી શકાય તેવી માનસિકતા જાપાનીઓએ પૂર્ણ કેળવી છે
આમ તો એકંદરે ટ્રાન્સપોર્ટેશન માટે આ સાયકલ રીક્ષા પ્રદુષણ રહિત વાહન હોય પર્યાવરણ માટે આશીર્વાદ રૂપ ગણાય. જો કે આની પણ ઘણી મર્યાદા હોય છે. માનવશક્તિથી ચાલતી સાયકલ રિક્ષા એક સિમિત અંતર અને વજનનું વહન કરી શકે છે. ટ્રાન્સપોર્ટેશનમાં સમય થોડો વધુ લાગે છે. પરંતુ છતાંય અન્ય ભારવાહક કરતાં પ્રાકૃતિક જીવનની વધુ નજીક જોવા મળે છે. આમ તો લોકો જયારે કોઈ નવી કાર, રીક્ષા, ટ્રક કે બસ જેવાં ટ્રાન્સપોર્ટેશનના વાહનો ખરીદે છે ત્યારે પોતાની ધાર્મિક પરંપરા મુજબ કંકુ ચોખાથી ચુંદડી બાંધીને પોતાના ઈષ્ટના નામનું સ્મરણ કરીને તેની પૂજા અર્ચના કરે છે. એવી જ રીતે આ સાયકલ રીક્ષા કે જે મહેનતકશ ગરીબોની રોજીરોટી હોય તેને ખરીદનાર પણ કોઈની બુરી નજર ન લાગે અને ધંધામાં બરકત થાય તે માટે લીંબુ મરચાં પણ ટાંગે છે. પ્રસ્તુત તસવીરમાં એ નવી સાયકલ રીક્ષા નીચે
લીંબુ મરચાંનો હાર કરીને ટાંગેલો જોવા મળે છે. આ સાયકલ રીક્ષા અન્ય પેટ્રોલ ડીઝલ, ગેસ કે ઈલેકટ્રીક ફયુલથી ચાલતાં વાહનોની સરખામણીમાં ભલે ધીમી ગતિથી ચાલે પરંતુ શ્રમવીરો માટે રોજગારી
અને પર્યાવરણ માટે આશીર્વાદ સમાન વાહન જ ગણાય.. આજે નહીં તો ટૂંક ભવિષ્યમાં પણ સમગ્ર માનવ સમાજે પેટ્રોલ ડીઝલના ધુમાડા ઓકતાં વાહનો છોડી માનવશક્તિથી, પવન શક્તિથી કે સૌર શક્તિથી ચાલતાં વાહનો તરફ જ વળવું પડશે. પેટ્રોલ અને ડીઝલના ધુમાડાથી કયાં સુધી પર્યાવરણનું નિકંદન કાઢીશુ? આમ જોવા જઈએ તો માનવશક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ સામાજિક તંદુરસ્તી અને પર્યાવરણ શુધ્ધિનો સંદેશ લઈને આ સાયકલ રીક્ષા આવે છે. ભાગ્યે જ જોવા મળતાં બળદગાડા, ઊંટ ગાડી, ઘોડાગાડીના ઉપયોગને ફરી વેગવંતા કરવા જ પડશે.
બિપીન પાંધી સાવરકુંડલા