Gujarat

બૂટલેગર માસૂમે વીજ ચોરીનો દંડ ન ભર્યો, ઘરમાં ધરાર વીજ પુરવઠો ચાલુ

નડિયાદ શહેરના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાના ઘરનું ગેરકાયદેસર કનેક્શન તંત્રએ કાપ્યા બાદ તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

જોકે, આજદિન સુધી માસુમે દંડની રકમ ન ભરી હોવાછતાં પણ વિજ વિભાગ દ્વારા તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે, આ મામલો કોર્ટમાં જશે અને ત્યાંથી ઓર્ડર મળ્યા બાદ માસુમ પાસેથી દંડ વસુલવામાં આવશે.

અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંક બાદ રાજ્યભરમાં અસમાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને નડિયાદ શહેરના કુખ્યાત બુટલેગર માસુમ મહિડાના ઘરે પોલીસે પહોંચીને તેનું ગેરકાયદેસર વિજ કનેક્શન કાપીને તેને રૂ. 2 લાખની વધુનો દંડ ફટકાર્યો હતો.

જોકે, આજદિન સુધી માસુમ મહિડાએ દંડની રકમ ન ભરી હોવાછતાં પણ તેની સામે વિજ તંત્ર દ્વારા કોઇ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને અનેક તર્કવિતર્કો વહેતાં થયા છે. આ સિવાય વિજ કનેક્શન કાપ્યું હોવાછતાં પણ માસુમના ઘરે વિજ પ્રવાહ યથાવત હોવાનું પણ જોવા મળે છે.

આ મામલે વિજ વિભાગનો સંપર્ક સાધતાં જાણવા મળ્યું હતું કે, હજીસુધી માસુમે કે તેના પરિવારે દંડની રકમ ભરી નથી. હવે આ બાબતે કોર્ટમાં અરજી કરવામાં આવશે અને કોર્ટમાંથી ઓર્ડર મેળવીને બાદમાં માસુમ પાસેથી દંડની વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે.

દંડ વસુલવાની સંપૂર્ણ જવાબદારી વિજ વિભાગની છે. વિજ વિભાગ દ્વારા માસુમને કનેક્શન પર ફરી શરૂ ન કરાયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ માસુમે ગેરકાયદેસર રીતે કનેક્શન કર્યું હોવાનું અને હાલમાં તેના આખા ઘરમાં લાઇટ ચાલુ હોવાનું જોવા મળી રહ્યું છે.