સુરતના ભાઠા વિસ્તારમાં રોડ અકસ્માતમાં ઉમરા ગામના બે પિતરાઈ ભાઈઓના મોત થયા છે. બંને યુવકો પોતાના મિત્રને મળવા ગયા હતા અને પરત ફરતી વખતે તેમની બાઈક ઝાડ સાથે ભટકાઈ હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા અને અંતે તેમનું મૃત્યુ થયું.
ઉમરા ગામ દમણ ફળીયામાં રહેતા 19 વર્ષીય કિશન કિરણભાઈ રાઠોડ ગેરેજમાં મીકેનીક તરીકે કામ કરતો હતો અને માતા-બહેન સહિત પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે તેનો 17 વર્ષીય પિતરાઈ ભાઈ અર્ચીત શૈલેષભાઈ રાઠોડ કાર વોશનું કામ કરતો હતો અને પરિવારની આર્થિક સહાય કરતો હતો.
સોમવારે બંને યુવકો ભાઠા વિસ્તારમાં તેમના મિત્રને મળવા માટે બાઈક લઈને ગયા હતા. મુલાકાત પછી પરત આવતી વખતે કિશન બાઈક ચલાવી રહ્યો હતો, પરંતુ અચાનક તેનું સંતુલન બગડતા બાઈક ફુલ સ્પીડમાં ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં બંને યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે કિશનને મૃત જાહેર કર્યો હતો.
જ્યારે અર્ચીતને ગંભીર સ્થિતિમાં દાખલ કરાયો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે અર્ચીતનું પણ મૃત્યુ થયું. ઘટનાની જાણ થતા પાલ પોલીસ સ્થળ પર પહોંચી, અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.