Gujarat

સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોના આધારે ડીજે સંચાલક સામે FIR, લગ્ન પ્રસંગે જાહેરનામાનો ભંગ

ખેડા જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે જિલ્લા વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે. મોટા અવાજે અને રાત્રિ દરમિયાન ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કપડવંજ ગ્રામ્ય પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડિયોના આધારે પ્રથમ FIR નોંધી છે. વિડિયોમાં ડીજે વાહન પર 10થી 15 લોકો બેઠેલા જોવા મળ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે કપડવંજ તાલુકાના ઘઉઆ ગામમાં ભૂપતભાઈ ઝાલાના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમણે આણંદ જિલ્લાના ચિખોદરા ગામના પ્રકાશ ઉર્ફે પકા ચીમનભાઈ વાઘેલાને ડીજેનો ઓર્ડર આપ્યો હતો.

પ્રકાશ વાઘેલાએ પોતાની આઈશર ગાડીમાં ડીજે લાવીને મોટા અવાજે વગાડ્યું હતું. પોલીસ તપાસમાં તેણે કોઈ પરવાનગી ન હોવાની કબૂલાત કરી હતી. આ પછી પોલીસે તેની સામે જાહેરનામા ભંગ અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જિલ્લા વહીવટી તંત્રે ફરિયાદ માટે તમામ પોલીસ સ્ટેશનના નંબરો જાહેર કર્યા છે. જો કે ગામડાઓમાં હજુ પણ જાગૃતિના અભાવે આવી ડીજેની પ્રવૃત્તિઓ ચાલુ રહી છે.