કઠલાલ તાલુકાના ડાભીની મુવાડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નલીનભાઈ ડાભીની નાની બહેન નિત્તલબેને ભાઈના વિશ્વાસનો ભંગ કર્યો છે. નલીનભાઈએ જમીન વેચાણના મળેલા રૂપિયા 40 લાખ ઘરના પીપમાં મૂક્યા હતા.
તેની ચાવી નાની બહેન નિત્તલબેનને સોંપી હતી. નિત્તલબેને આ રકમમાંથી પોતાના પ્રેમી રમેશ રાઠોડને રૂપિયા 30 લાખ આપ્યા હતા. આ ઉપરાંત ગામના ભરતભાઈ ઉર્ફે મંગો રાઠોડને રૂપિયા 8.50 લાખ અને કુણાલ શર્માને રૂપિયા 50 હજાર આપ્યા હતા. આ તમામ રકમ છેલ્લા ત્રણ મહિનામાં આપવામાં આવી હતી.
27મી માર્ચના રોજ નલીનભાઈને પૈસાની જરૂર પડતા પીપ ખોલ્યું તો રૂપિયા ગાયબ હતા. પૂછપરછમાં નિત્તલબેને કબૂલ્યું કે તેણે રમેશ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેને અને અન્ય બે વ્યક્તિઓને પૈસા આપ્યા હતા.
ત્રણેય વ્યક્તિઓએ પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી પૈસા પરત કર્યા નથી. નલીનભાઈએ પોતાની નાની બહેન નિત્તલબેન, તેના પ્રેમી રમેશ રાઠોડ, ભરતભાઈ રાઠોડ અને કુણાલ શર્મા વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે નિત્તલબેનના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ અણબનાવને કારણે છેલ્લા સાડા ત્રણ વર્ષથી તે પોતાના પિયરમાં રહે છે.
આથી બહેને પોતાના ભાઈની અને પરિવારની જાણ બહાર આ નાણાકીય વ્યવહારો કરતા નલીનભાઈ કનુભાઈ ડાભીએ પોતાની નાની બહેન નિત્તલબેન તેના પ્રેમી અને અન્ય બે સામે મળી કુલ 4 સામે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.