અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં આવેલા એક ફાર્મહાઉસ પર મોડીરાત્રે સનસનીખેજ લૂંટની ઘટના બની છે. બુકાનીધારી અને હથિયારબંધ લૂંટારાઓએ ફાર્મહાઉસમાં સૂતેલા બે લોકોને બંધક બનાવી મોબાઈલ અને આશરે ₹3 લાખની રોકડની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવતાં પોલીસે ફૂટેજના આધારે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદ રોડ પર આવેલા વડાગામમાં કમલેશ પટેલ નામના ખેડૂતનું ફાર્મહાઉસ આવેલું છે. ગત મધ્યરાત્રિએ ફાર્મહાઉસના ચોકમાં બે સ્થાનિક કર્મચારી સૂતા હતા. એ સમયે છથી સાત બુકાનીધારી અને કાળાં વસ્ત્રો પહેરેલા તસ્કરો ત્યાં ત્રાટક્યા હતા લૂંટારાઓએ બહાર સૂતેલા બંને કર્મચારી સાથે ઝપાઝપી કરી તેમને પકડીને ફાર્મહાઉસના મકાનની અંદર લઈ ગયા હતા. આ સાથે જ તેમણે ખાટલા પર રાખેલા મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હતા. ત્યાર બાદ ઘરમાં રાખેલા આશરે ₹3 લાખની રોકડની લૂંટ ચલાવી હતી.

