Gujarat

ગીર સોમનાથમાં ટીબીને નાથવા અભિયાન શરૂ

સમગ્ર જિલ્લામાં વણ શોધાયેલા ટી.બી.ના દર્દીઓ શોધી અને તેમને પૂરતી સારવાર અને માર્ગદર્શન થકી રોગનો ફેલાવો અટકાવવા તથા રોગથી થતા મૃત્યુ અટકાવી રોગ મુક્તિની સફળતાનો દર વધારી ટી.બીના દૈત્યને જડમૂળથી નાથવા ગીર સોમનાથ આરોગ્ય વિભાગે કમર કસી છે.સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી ટી.બી.નું નિર્મૂલન કરી જિલ્લાને ટી.બી. મુક્ત જિલ્લો બનાવવા આરોગ્ય વિભાગ દ્વારા સુનિયોજીત અભિયાન અંતર્ગત 100 દિવસના અભિયાનમાં શરૂઆતના તબક્કામાં જ ટીબીગ્રસ્ત દર્દીઓને શોધવામાં આવશે.

શરૂઆતમાં ગૃહ મુલાકાત કરી આશા બહેનો, આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવી ટી.બી. ચેમ્પિયન વ્યક્તિઓ ઘરની તમામ વ્યક્તિઓની આરોગ્યલક્ષી પૂછપરછ કરી અને જેમને ટી.બી. થવાની શક્યતા વધારે છે, તેની યાદી બનાવશે.આવા વ્યક્તિઓની યાદી બનાવ્યા બાદ તેમના છાતીના એક્સ-રે સરકારી દવાખાનામાં જ્યાં આ સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં(તાલુકા કક્ષાએ), મોબાઈલ એક્સ-રે વાનની મુલાકાત દરમિયાન કે, જે તાલુકામાં ખાનગી, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ કે ઉદ્યોગ ગૃહોના આરોગ્ય કેન્દ્રો સાથે એમ.ઓ.યુ કરેલા હોય તે કેન્દ્ર ખાતે કરવામાં આવશે.

જે વ્યક્તિઓને ટી.બી.ના સંભવિત 10 ચિહ્નો જણાઈ આવે તો આવા દર્દીના ગળફાનો નમૂનો તરત જ અને બીજે દિવસે વહેલી સવારે ઉઠ્યા બાદ તરત જ એકત્રિત કરી ન્યૂક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ (એન.એ.એ.ટી.) સુવિધા ઉપલબ્ધ હોય તે જગ્યાએ મોકલી આપવામાં આવશે. એન.એ.એ.ટી. તપાસમાં ટી.બી.નું નિદાન થાય તો ટી.બી. મટાડવાની 6 માસની સારવાર શરૂ કરવામાં આવશે. જો છાતીના એક્સ-રે માં કોઈ અસામાન્ય જણાશે તો પણ તેના ગળફાના નમૂનાની તપાસ ફરજિયાત કરવામાં આવશે.

ટીબી અટકાયતી સારવારમાં પુખ્ત વયજૂથના વ્યક્તિઓને દર અઠવાડિયે 3 ટેબ્લેટ એમ માત્ર 12 અઠવાડિયા માટે જ દવાઓ લેવાની રહેશે, જેથી ભવિષ્યમાં ટી.બી. થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. જો સી.વાય. ટી.બી. ટેસ્ટ નેગેટિવ આવે તો કોઈ સારવારની જરૂર રહેતી નથી પરંતુ આવા વ્યક્તિઓએ આ ટેસ્ટ દર 3 મહિને કરાવવા હિતાવહ છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ, છેલ્લા 3 વર્ષમાં ઘરમાં કોઈને ટી.બી. થયો હોય તે ઘરમાં રહેતા તમામ વ્યક્તિઓને, છેલ્લા ૫ વર્ષમાં જેને ટી.બી. થયો હોય .

તેમને ફરી થઈ શકે, ધૂમ્રપાન કરતા હોય તેવા વ્યક્તિઓને, મદ્યપાન (દારૂ)ની ટેવ હોય તેવા વ્યક્તિઓને, જે પુખ્ત વ્યક્તિનું વજન 45 કિલોથી ઓછું હોય તેવા વ્યક્તિઓને અને જેને અન્ય કોઈ લાંબી બીમારી હોય જેવી કે કેન્સર, એઈડસ લીવર,કિડની, શ્વાસ દમ તેવા વ્યક્તિઓને ટી.બી. થવાની શક્યતા રહેશે.