Gujarat

બાજીપુરા હાઇસ્કુલ તથા બુહારી હાઇસ્કુલમાં કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સેલિંગનો કાર્યક્રમ યોજાયો

સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, તાપી, જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રીની કચેરી, તાપી તથા બ્લોક રિસોર્સ સેન્ટર, વાલોડનાં સંયુક્ત ઉપક્રમે
આજરોજ બાજીપુરા હાઇસ્કુલ તથા બુહારી હાઇસ્કુલમાં કેરિયર ગાઈડન્સ અને કેરિયર કાઉન્સેલિંગનો કાર્યક્રમ શાળાનાં 9 થી 12 ધોરણનાં વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવ્યો હતો.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ બાદ વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દીની દિશામાં કઈ રીતે વિચારવું અને આ માટે અનેક વિકલ્પો પૈકી કયો વિકલ્પ પસંદ કરવો એ અંગે વિગતવાર માહિતી અને પ્રેરણાત્મક સંભાષણ વિષય તજજ્ઞ શિક્ષણવિદ અને મોટીવેશનલ સ્પીકર પ્રકાશભાઈ પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું. વિવિધ ઉદાહરણો, વ્યકિતવિશેષનાં જીવનપ્રસંગો અને પ્રેરણાત્મક વાર્તા, ગીતો દ્વારા કારકિર્દી સંદર્ભે રસપ્રદ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પણ પ્રવૃત્તિમાં જોડીને એમણે પ્રત્યક્ષીકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન વાલોડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર અશોકભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. બાજીપુરા હાઇસ્કુલનાં આચાર્ય રાજેશભાઈ રાઠોડ અને બુહારી હાઈસ્કૂલનાં આચાર્ય વિજયભાઈ પટેલ પણ પોતપોતાની શાળામાં આ કાર્યક્રમ માટે સહભાગી થયાં હતાં.