વિશ્વ વન દિવસની ઉજવણી અને નર્સરીનો શુભારંભ: શ્રીમતી એસ.એચ. ગજેરા કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
અમરેલી, 21 માર્ચ, 2025: વિશ્વ વન દિવસના ઉપલક્ષ્યે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ, વિદ્યાસભા અમરેલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી તાલુકાના RFO જ્યોતિબેન ખાખસ, સામાજિક વનીકરણ રેન્જ વિભાગના સ્ટાફ તેમજ સંસ્થાના મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી સાથે HOD ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે કેમ્પસને હરિયાળું બનાવવા માટે નર્સરીનો શુભારંભ કરવામાં આવ્યો.
આ નર્સરીમાં મલ્સિંગ પધ્ધતિ દ્વારા 5000 જેટલા રોપા તૈયાર કરવામાં આવશે, જેનું માર્ગદર્શન કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ પ્રદાન કર્યું. આ પ્રોજેક્ટમાં જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એકસેલેન્સના વિદ્યાર્થીઓ અને સ્ટાફે સક્રિય ભાગ લીધો. આ પહેલ દ્વારા બાળકોને નર્સરીની કામગીરી વિશે જાણકારી મળશે અને આગામી સમયમાં હજારો ફૂલછોડ અને વૃક્ષોના રોપા તૈયાર કરીને કેમ્પસ તેમજ જાહેર સંસ્થાઓને પણ વાવેતર માટે આપવામાં આવશે.
સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ આ કાર્યક્રમની સફળતા બદલ તમામ ભૂલકાઓ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે સૌને આહ્વાન કર્યું. આ પહેલ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વિકાસના માર્ગે નવી દિશા આપવામાં આવી છે.
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*




