Gujarat

યુવરાજ અજયસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન

જામનગરની ઐતિહાસિક સજુબા સરકારી કન્યા શાળાએ 90 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી છે. 12 જાન્યુઆરી 1936ના રોજ નવાનગર સ્ટેટના રાજવી જામ દિગ્વિજયસિંહજીના હસ્તે શરૂ થયેલી આ શાળા સૌરાષ્ટ્રની કન્યા કેળવણીનું પ્રતીક બની છે.

90મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે નવાનગર સ્ટેટના યુવરાજ અને પૂર્વ ક્રિકેટર અજયસિંહજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ શાળાનો ઇતિહાસ, સ્વામી વિવેકાનંદ વિશે વક્તવ્ય, શિવ તાંડવ નૃત્ય અને હેલ્લારો નૃત્યની રજૂઆત કરી હતી.

શાળાના આચાર્યા બીનાબેને શાળાની સિદ્ધિઓની માહિતી આપી હતી, જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ શિક્ષણ અંગે ચિંતનાત્મક વિચારો રજૂ કર્યા હતા. યુવરાજ અજયસિંહજીએ વિદ્યાર્થિનીઓને શિક્ષણનું મહત્વ સમજાવી કારકિર્દી નિર્માણ માટે પ્રેરણા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન ધોરણ 9થી 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન કરાયું હતું.

ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, વિજ્ઞાન પ્રદર્શન અને વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નિવૃત્ત શિક્ષકો, વર્તમાન સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે સુંદર આયોજન કર્યું હતું.