Gujarat

“ભાજપના શાસનમાં માનીતાઓ માટે છાશવારે નિયમ બદલાય છે’

જામનગરમાં શુક્રવારે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શકિતસિંહ ગોહીલે ભાજપના શાસનમાં માનીતા માટે નિયમ બદલાય છે, અમીર-ગરીબ વચ્ચે અંતર વધ્યું હોવાનું જણાવી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે હાલારના બંને જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવામાં આવશે તેમ ઉમેર્યું હતું. રાજયમાં આગામી દિવસોમાં રચનાત્મક અને જવાબદાર રાજકિય પક્ષ તરીકે ખેડૂતો, યુવાવર્ગ ગરીબો તથા લોકોની સમસ્યાઓ અને સ્થાનિક પ્રશ્નો અંગેની રણનીતિ ઘડવા સમીક્ષા બેઠકોનું અભિયાન ચાલી રહ્યું છેેે. જે અંતર્ગત શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહીલ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક જામનગર આવ્યા હતાં.

આ તકે યોજાયેલી પત્રકાર પરિષદમાં શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ગણ્યા ગાંઠયા લોકો માલામાલ થઈ ગયા છે. અંગ્રેજોના શાસન કરતા અમીરો-ગરીબો વચ્ચે વધુ અંતર ભાજપના રાજમાં થઈ ગયું છે. ભાજપના માનિતા લોકો માટે નીતિ-નિયમો બદલાય છે.

ભાજપના દસ વર્ષના શાસન પછી ખેડૂતોને મગફળીના મણના રૂ.1000-1400 મળે છે. પણ સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2700 છે. ખેડૂતોની આવક બમણી કરશું જેવા ભાષણોનો ફિયાસ્કો થઈ રહ્યો છે ખેડૂતોની આવક બમણી તો થઈ નહી, અડધી થઈ ગઈ અને સામે ખાતર, બિયારણ, ડીઝલ, દવા વગેરેનો ખર્ચ બમણો થઈ ગયો છે. પરિણામે લોકો મોંઘવારીનો અસહ્ય માર સહન કરી રહયા છે. તેમણે હાલારમાં કોંગ્રેસના સગઠનને મજબૂત બનાવવાની નેમ વ્યકત કરી હતી.