બદલાવ એ જીવનનો મર્મ છે- રેખા પટેલ (ડેલાવર )
બદલાવ જરૂરી છે, પછી એ પોતાની માટે હોય કે બીજાના માટે, સમય કહે છે – સ્થિર રહેશો તો જીવનમાં પાછળ રહી જશો.
વિચારો બદલાય, તો દૃષ્ટિ બદલાય, દૃષ્ટિ બદલાય, તો રસ્તા પણ નવા નજરે પડે અને પ્રગતિનાં માર્ગો ખુલે. બીજાના હિત માટે જ્યારે આપણે ઝૂકીએ, સંબંધોમાં મીઠાશ ખીલે, દિલના દ્વાર ખુલે.
પણ જ્યારે પોતાને માટે જાતે બદલાવ લાવીએ ત્યારે ક્યારેક દુઃખદ વાયરા ઉડે, સંબંધો ઝંકૃત થાય. આવો બદલાવ સહેલો નથી. છતાં, એ વિકાસ માટે આવશ્યક છે. કારણ કે પોતાની અંદર જો વૃદ્ધિ નહીં આવે, તો બીજાને શું આપીશું?
જીવનમાં બે પ્રકારના બદલાવ જરૂરી છે – સ્વવિકાસ માટે અને બીજો સંબંધસ્નેહ માટે. જે સમય અને સંજોગો પ્રમાણે બદલાય છે તે આગળ વધે છે. જે અટકી જાય તેનો સમય આગળ નીકળી જાય છે.
બદલાવ જરૂરી છે – એ પોતાની માટે હોય કે બીજાના માટે, એ માત્ર શબ્દ નથી, એ જીવનની અવશ્યકતા છે, વાસ્તવિકતા છે.
સમય આગળ વધે છે, પરિસ્થિતિઓ બદલાય છે, અને એ સાથે જો આપણે નહીએ બદલાયા હોય તો પાછળ રહી જઈશું. એ પછી પરિવર્તન વિચારોમાં, સંબંધોમાં, કે વિકાસમાં હોય.
પોતાની માટેનો બદલાવ-
ક્યારેક જીવનમાં એવું સમય આવે છે, જ્યાં આપણે પોતાની અંદર ઝાંખીને જોવું પડે છે. શું હું સાચી દિશામાં છું? શું મારા વિચારો અને માન્યતાઓ સાથે હું નવીનતમ ઘટનાઓ અને વિચારશૈલીને અપનાવી શકું તેમ છું? આદતો, વર્તન, જીવનશૈલી મને આગળ વધવા દેશે?
સ્વમુલ્યાંકન પછી જ્યારે પોતાની ખામી સ્વીકારીને તેમાં સુધારો લાવીએ, ત્યારે એ બદલાવ મુશ્કેલ તો લાગે છે, પણ જરૂરી અને લાભદાયી સાબિત થાય છે. પોતાને બદલવાનો સાહસ ભવિષ્યના દ્વાર ખોલે છે. ગમે તેવી પરિસ્થિતિમાં બદલાવ માર્ગને સહેલો બનાવે છે.
પોતાના માટેનો બદલાવ વ્યકિતગત વિકાસ માટે મહત્વનો છે. પોતાનાં દુર્લક્ષણો, અનિચ્છનીય આદતો કે નકારાત્મક માનસિકતા દૂર કરીને જીવનમાં નવો પ્રકાશ લાવી શકાય છે.
બીજાના માટેનો બદલાવ-
આપણે સંબંધોમાં જીવીએ છીએ. પરિવાર, મિત્રો, સહકર્મી, સમાજ. દરેક સાથે વ્યવહાર માટે ક્યારેક નાં ગમતું નાં ગમતું છોડીને મીઠા બનવું પડે છે. સામે વાળાને અનુકુળ થવા પ્રયત્ન કરવો પડે છે. આ બીજાને સમજવા, તેમને સ્થાન આપવા અને સંબંધોમાં મીઠાશ જાળવવા આવશ્યક બને છે.
આ બદલાવ પોતાનું અસ્તિત્વ ખોયા વિના થવો જોઈએ — સંવેદનશીલ પણ સ્વમાનભેર.
કોઈકના હિત માટે થતો નાનો બદલાવ, મોટું શ્રદ્ધાભર્યું સંબંધ બનાવી શકે છે.
જ્યારે બીજાના માટે બદલાવ લાવીએ, ત્યારે તે સંબંધો વધુ મજબૂત બનાવે છે, એકબીજાની લાગણીઓને માન આપવાનો સંદેશ આપે છે.
બદલાવ – માર્ગ નહીં, મંજિલ પણ છે, જેના ઉપર આગળ વધતા રહી ઘણું ઘાર્યું મેળવી શકાય છે. માન, ઘન, પદ બધાની પ્રાપ્તિના મૂળમાં સમય અને સંજોગો પ્રમાણેનો બદલાવ છે. અસલી સમજ એ છે કે આ અવરોધ નહીં, પણ માર્ગ છે – એક નવી જાતને શોધવાનો.
અથવા એમ કહીએ કે બદલી પડતી દુનિયામાં, જે પોતાને સતત સુધારે છે, એ જ સાચા અર્થમાં જીવે છે.
અંતે…
બદલાવ જરૂરી છે – પછી એ પોતાની અંદર શાંતિ લાવતો હોય કે બીજાની સાથે મીઠાશ બનાવતો.
કારણ કે જે સ્થિર રહી જાય છે, એ પાછળ રહી જાય છે. અને જે વહે છે, એ નિર્મળ બની જાય છે — જેમ કે વહેતું જળ. શાંત જળમાં નહીં, પણ વાવાઝોડામાં જ ખરો નાવિક ઓળખાય, એ રીતે મુશ્કેલીમાં બદલાવ જ માણસની તાકાત, હિંમત અને સમજદારી દર્શાવે છે.
બદલાવ એજ તો જીવન છે,
જેમ વહેતાં જળ નિર્મળ છે.
જે ચાલે સમયની ધારે વહેતાં
ફેરફાર જીવનનું મર્મ કહેતાં.
સંબંધો માંગે વહાલું પરિવર્તન,
પ્રેમે આપે સમયનું નવું સ્પંદન.
સમય સમજતા, વધે ઊંચાઈ,
જે અટકે એની થાય જગ હસાઇ
કદી પાંખ બની ઉડી શકાય
કદી મૂળ બની ધરાને પકડાય.
કદી સપનામાં ઓગળી જવાય,
સચ્ચાઈમાં અંતરની મળતી છાય.
નભને સ્પર્શવા મથામણ થાય,
કદી ધરતીની ગોદમાં સુખ સમાય.
જીવનમાં સુખ દુઃખ આવે જાય,
બદલાવમાં જીવનનો સાર સમાય.
સમય અને સંજોગો સાથે ચાલવા માટે પોતાને બદલવું અત્યંત જરૂરી બની જાય છે. જીવન સ્થિર નથી — તે સતત પ્રવાહમાન છે, અને એ પ્રવાહમાં આગળ વધવા માટે વિચારશૈલી, વર્તન અને સંવેદનામાં બદલાવ આવશ્યક છે.
બદલાવ એ જીવનની અદભુત હકીકત છે. પોતાને બદલવું એ સરળ નથી, એ માટે હિમ્મત જોઈએ.
બદલાવ ત્યારે થાય છે જ્યારે માણસ પોતાનાં અંદરના અવાજને સાંભળે છે. બીજાની શાંતિ, પ્રેમ,સુખ માટે આવતો બદલાવ જીવનની ભવ્યતા વધારે છે. “બદલાવ એ જીવન છે — પછી એ પોતાની શાંતિ માટે હોય કે બીજાની ખુશી માટે.
પ્રેસ નોટ આપવા માટે અમારો whatsapp નંબર
9426555756


