યુવાનોને નશાની ગર્તામાંથી બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય લીધો છે. રોલિંગ પેપર અને ગોગો પેપર કોન પર રાજ્યવ્યાપી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા વિસ્તારના વિવિધ પાનના ગલ્લાઓ અને પાર્લરોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ દ્વારા દુકાનદારોને ગોગો પેપર કે અન્ય સ્મોકિંગ કોન ન રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
ગોગો અને રોલિંગ પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો ગુજરાત સરકાર દ્વારા યુવા પેઢીમાં વધી રહેલા નશાના વલણને રોકવા માટે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, હવેથી રાજ્યમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ આદેશ સમગ્ર ગુજરાતમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના રોલિંગ પેપર્સ અને સ્મોકિંગ કોન્સમાં સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવા પદાર્થોનો ઉપયોગ થાય છે. આ વસ્તુઓમાં મુખ્યત્વે ટાઇટેનિયમ ડાયોક્સાઇડ,પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી રાસાયણિક પદાર્થો મળી આવ્યા છે. આ તત્વો ફેફસાં અને શરીરના અન્ય અંગોને ગંભીર નુકસાન પહોંચાડે છે. યુવાનો આ પેપરનો ઉપયોગ કેફી દ્રવ્યોના સેવન માટે કરતા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું હતું.

