Gujarat

રાપરમાં કેમિકલ ભર્યું ટ્રેલર પલટ્યું, ખાવડા માર્ગે મિની ટેમ્પોમાં આગ

કચ્છ જિલ્લામાં આજે ગુરુવારે સવારે બે અલગ અલગ સ્થળે માર્ગ અકસ્માત સર્જાયા છે. સામખિયાળી-રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મેવાસા પાટિયા નજીક પ્રથમ અકસ્માત થયો હતો. ગાંધીધામથી રાધનપુર તરફ જતું કેમિકલ ભરેલું ટ્રેલર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી ગયું હતું.

ટ્રેલરમાંથી કેમિકલ 50 મીટર સુધી માર્ગ પર ફેલાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાઇવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. સલામતીના ભાગરૂપે માર્ગ પર સેફ્ટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે. ક્રેનની મદદથી વાહનને માર્ગ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

બીજો અકસ્માત ભુજના ખાવડા માર્ગે બન્યો હતો. ખાવડાથી કોટડા ચેકપોસ્ટ તરફ જતો મુસાફરો ભરેલો મિની ટેમ્પો પલટી જતાં તેમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા થઈ છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. મેવાસા પાટિયા નજીક વારંવાર વાહન અકસ્માત થતા રહે છે. ભુજના ખાવડા માર્ગે પણ માર્ગ દુર્ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.