ખેડા જિલ્લાના વસો તાલુકાના દંતાલી ગામમાં બિસ્માર માર્ગને લઈને રહીશો પરેશાન થઈ ગયા છે.
દંતાલી ગામમાંથી વાડીયા વિસ્તારમાં તેમજ ગામમાં આવવા જવાનો રસ્તો કાદવ કિચ્ચડવાળો અને બિસ્માર હોવાને કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
વસો તાલુકાના દંતાલી ગામમાં આવેલા વાડીયા વિસ્તારમાં રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.
માર્ગ ઉપર કાદવ કીચડ ફેલાઈ જવાને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ રસ્તાની સમસ્યાને કારણે શાળાએ પણ જઈ શકતા ન હોવાથી તેમના અભ્યાસને પણ માઠી અસર પહોંચી રહી છે.
આ ઉપરાંત વાડિયા વિસ્તારમાં કોઈનું મૃત્યુ થાય તો ડાઘુઓને સ્મશાન સુધી કે કબ્રસ્તાન સુધી જવામાં પણ ભારે હાલાકી વેઠવી પડે છે.
સ્થાનિકો દ્વારા આ બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી રસ્તો બનાવી દેવામાં આવ્યો નથી.
જો હવે તંત્ર દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
સાંસદ અને ધારાસભ્યએ આશ્વાસન આપ્યું છતાં પણ કામગીરી ન થઇ વાડિયા વિસ્તારમાં માર્ગની સમસ્યાને લઈને વર્ષ 2018માં પંચાયત દ્વારા સાંસદ સભ્ય તેમજ ધારાસભ્યોને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને જે તે સમયે આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી સમસ્યાનો નિકાલ થયો નથી.