જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ સિવિલ ડિફેન્સ ઓફિસ, ભુજ દ્વારા કચ્છના સરહદી કુરન ગામે નાગરિક સંરક્ષણ દળની પાયાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અધિક કલેકટર અને નાગરિક સંરક્ષણના નાયબ નિયંત્રક ધવલ પંડ્યા દ્વારા આ તાલીમની જરૂરિયાત અને મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું કે કચ્છ જેવા વિશાળ અને દુર્ગમ વિસ્તારમાં નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વની છે.
ચિરાગ ભટ્ટ, ચીફ વોર્ડન દ્વારા પ્રાથમિક સારવાર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં બ્લિડિંગ , બર્નિંગ, ફ્રેક્ચર તથા હાર્ટ અટેક વખતે CPR જેવી તાત્કાલિક સારવારની વિગતો સામેલ હતી. તેમણે આગના પ્રકાર અન અગ્નિશમન વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.
અરુણ જોશીએ નાગરિક સંરક્ષણ દળની રચના, રોહિત ઠક્કરે બચાવની વિવિધ પદ્ધતિઓ, હવાઈ હુમલા સમયે અપનાવવાની ટેકનિક વિશે માહિતી અપાઇ હતી.
અત્યાર સુધી 9250 લોકોને તાલીમ
નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૪ વર્ગોનું આયોજન કરી શહેર અને ગામના નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ એનજીઓ અને સામાજિક સંસ્થાના કુલ ૯૨૫૦ જેટલા તાલીમાર્થીઓને પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.
સરહદના સંત્રી કુરનમાં તાલીમ મહત્વપૂર્ણ
કુરન ગામ સરહદની બહુ નજીક આવેલું છે જેના કારણે તેનું ભૌગોલિક અને વ્યૂહાત્મક મહત્વ ઘણું છે. ૨૦૧૧ની જનગણના મુજબ કુલ ૩૬૬ ઘરો અને ૧૪૩૭ ની વસ્તી ધરાવતું કુરન વિકાસ અને સાંસ્કૃતિક પરંપરાઓને એકસાથે લઈને જીવે છે.

