Gujarat

12.5 ડિગ્રી સાથે કોલ્ડવેવની સ્થિતિ, લોકો તાપણાનો સહારો લેવા મજબુર

જામનગર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. તાપમાનનો પારો 2.5 ડિગ્રી ગગડીને 12.5 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. શહેરમાં બરફીલા પવનના સુસવાટા સાથે કોલ્ડવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે.

મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા અને પવનની ગતિ 4.1 કિલોમીટર પ્રતિ કલાક રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકો રાત્રે અને વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ઠંડીથી બચવા માટે લોકો ગેસ હીટર અને સગડીનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને શ્રમિક પરિવારો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં શહેર અને જિલ્લામાં ભારે બરફીલા પવન સાથે ઠંડીનું જોર વધુ વધવાની શક્યતા છે, જે જનજીવનને વધુ અસર કરી શકે છે.