ખેડામાં એક મહિલા હેલ્થ વર્કરે પોતાના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મહિલા રસીકપુરા ગામના સરકારી દવાખાનાના ક્વાર્ટર્સમાં રહે છે. તેના પતિ તલાટી તરીકે નોકરી કરે છે. 35 વર્ષીય મહિલાના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા.
શરૂઆતમાં લગ્નજીવન સુખમય હતું અને તેમને એક પુત્ર પણ છે. પરંતુ પુત્રના જન્મ બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. પતિ, સાસુ અને સસરા નાની-નાની વાતે ઝઘડો કરવા લાગ્યા. તેઓ દહેજમાં પૂરતી વસ્તુઓ ન લાવવા બદલ મહેણાં મારતા હતા.
2020માં જ્યારે મહિલા નોકરી પર હતી, ત્યારે સાસરિયાઓ ઘરનો સામાન લઈને ચાલ્યા ગયા. મહિલાએ પતિને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે તે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. સમાજના આગેવાનોની દરમિયાનગીરી છતાં, સસરાએ સ્પષ્ટ કહ્યું કે તેમના પુત્રના અન્યત્ર સંબંધ નક્કી થઈ રહ્યા છે.
ત્યારબાદ મહિલા પોતાના બાળક સાથે એકલી રહેવા લાગી. તેણે ધોળકા કોર્ટમાં ભરણપોષણ અને છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. આ કેસના કારણે પતિ, દિયર, સાસુ, બે કાકા સસરા અને નણંદ તેને પરેશાન કરવા લાગ્યા.
તેઓ મહિલાના ક્વાર્ટર્સ બહાર આવીને હોર્ન વગાડતા અને ધમકી આપતા. રસ્તામાં પણ પતિ અને દિયર તેની સાથે ઝઘડો કરતા. આ સતત થતી પજવણીથી કંટાળીને મહિલાએ ખેડા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

