વેરાવળમાં તાજેતરમાં પૂર્ણ થયેલ સફાઈ અભિયાન બાદ કચરાના પોઇન્ટ વાળી જગ્યાઓએ પાલિકા તંત્રએ સીસીટીવી કેમેરા ગોઠવી દીધા હતા.ત્યારે મેડિકલ સ્ટોરના માલિક ત્યાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકતા નજરે પડતા કાર્યવાહી કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજાના વડપણ હેઠળ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬માં થયેલ જોગવાઈ મુજબ બાયોમેડિકલ વેસ્ટનું સેગ્રીગેશન, ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝ થાય અને જેથી લોકોના સ્વાસ્થ્યને તથા પર્યાવરણ પર આડઅસર ન થાય તે સારું તકેદારી રાખવામાં આવી રહી છે.
પરંતુ વેરાવળ શહેર વિસ્તારમાં આવેલ અમૃત મેડિકલ સ્ટોર દ્વારા ખુલ્લામાં બાયો મેડીકલ વેસ્ટ ફેંકવામાં આવતો હોવાનું ધ્યાને આવતા,મેડિકલ સ્ટોરના માલિક પંકજભાઈ અમૃતભાઈ ગોદાણા વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ -223 હેઠળ જાહેરનામાનો ભંગનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

