Gujarat

કલેક્ટર, પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું સતત મોનિટરિંગ

જામનગર જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉચ્ચ અધિકારીઓએ મોરચો સંભાળ્યો છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ હાજર છે. નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા અને ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ પણ ત્યાં છે.

કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું કે જિલ્લાના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. તેમણે લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવામાં સહકાર આપવા વિનંતી કરે છે. કોઈપણ તાત્કાલિક માહિતી કે સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો 0288-2553404 નંબર પર સંપર્ક કરી શકાય છે. અધિકારીઓ પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને પળેપળની માહિતી મેળવી રહ્યા છે.

બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમણે સરહદી જિલ્લાઓની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગર જિલ્લાઓની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.