ભાવનગર જિલ્લાના બગદાણા નજીક આવેલા છાપરી ગામમાં એક ખેડૂતે કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડ ઉગાડ્યા હોવાનું સામે આવ્યું છે. બગદાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 50 ગાંજાના છોડ અને ₹51,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ખેડૂત કનુભાઈ ગોહિલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કનુભાઈ ગોહિલ નામના ખેડૂતે પોતાની જમીનમાં કપાસના પાકની વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. આ અંગે બગદાણા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી.બાતમીના આધારે પોલીસે છાપરી ગામમાં આવેલા ખેતરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ખેતરમાંથી 50 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત ₹51,700 આંકવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે સ્થળ પરથી ખેડૂત કનુભાઈ ગોહિલની ધરપકડ કરી હતી. તેમની વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી મહુવા અને તળાજા તાલુકામાંથી સ્થાનિક પોલીસ તેમજ SOG દ્વારા ગાંજાના વાવેતર ઝડપી પાડવામાં આવી રહ્યા છે.

