સાયલા એસબીઆઈ અને ગ્રામીણ અને સહકારી મંડળીઓ સહિત અન્ય બેંકો ખેડૂતોને પાક ધિરાણ ખેડૂતોની જીવા દોરી સમાન બને છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી વધુ વરસાદ અને પાકની ખેતીના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વિકટ બની છે.
ત્યારે સાયલા તાલુકાના 650થી વધુ ખેડૂતે એસબીઆઇમાંથી પાક ધિરાણ લીધું હતું. તેની રકમ ભરીને ટર્ન ઓવર પણ કર્યું હતું.
છતાં એસબીઆઇમાંથી લોન લેનાર ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી જે 4 ટકા એટલે કે રૂ.21000 હજારની વ્યાજ માફી મળે છે તે રકમ 2022-23 અને 2023-24ની હજુ સુધી ચૂકવવામાં આવી નથી. આમ ખેડૂતોની સહાયના 2 વર્ષના 2.70 કરોડથી વધુની રકમ ફસાઇ ગઇ છે. જે મેળવવા માટે ખેડૂતો બેંકના પગથીયા ઘસી રહ્યા છે.
સાયલા તાલુકાના 14 જેટલા ગામોના 2400 ખાતેદાર છે. ખેતી તેમજ પાક ધિરાણ માટે અંદાજિત 55 કરોડનું ધિરાણ લીધું છે. સરકાર ખેડૂતોના 3 લાખની મર્યાદામાં રાજ્ય સરકાર 4 ટકા અને 3 ટકા ટકા કેન્દ્ર સરકાર વ્યાજ માફીમાં સહાયરૂપ બને છે. જેમાં સાયલાની એસબીઆઇમાંથી તાલુકાના 650થી વધુ ખેડૂતે પાક ધિરાણ મેળવીને પૈસા ભરીને રિન્યુ પણ કરાવી લીધું હતું. પરંતુ રાજ્ય સરકાર તરફથી જે 4 ટકા વ્યાજ માફી આપવામાં આવે છે તે એસબીઆઇમાં જમા થઇ નથી. આથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે અને પોતાના હક્કના નાણા મેળવવા માટે બેંકના ચક્કર ખાઇ રહ્યા છે.
ગ્રામીણ બેંકમાં વ્યાજ મળે તો SBIમાં કેમ નહીં દિવ્ય ભાસ્કરે તપાસ હાથ ધરતા 1600 ખાતા, ખેડૂતોને 40 કરોડ ધિરાણ આપનાર બેંકમાં 15 મે 2024ના રોજ 3 ટકા, 27 સપ્ટેમ્બર 2024ના રોજ 4 ટકા વ્યાજ ખેડૂતોના ખાતામાં જમા થયું છે.
ત્યારે સાયલા શાખાની એસબીઆઈના ખેડૂતોના ખાતામાં કેમ જમા ન થઈ. બેંક મેનેજરે ઉચ્ચકક્ષાએ ઈમેલ કર્યો હોવાનો દાવો એસબીઆઇ મેનેજર લલિતેશ્વરે વિગતો જાણી 2023 અને 24ના વ્યાજની રકમ બાબતે ઉચ્ચકક્ષાએ લેખિત જાણ કર્યાનું જણાવ્યું હતું . વ્યાજની રકમ, અન્ય ચાર્જ વસૂલે છતાં વગર વ્યાજે પાક ધિરાણનો દાવો ખેડૂતોના પાક ધિરાણની વ્યાજ માફી કરીને સરકાર ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહિત કરે છે.
ત્યારે બેંકના નિયમોને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળે છે. સરકાર વગર વ્યાજે ધિરાણ આપવાની યોજના છે. પરંતુ બેંક દ્વારા 3 લાખના પાક ધિરાણ આપીને 7 ટકા સાથે 3 લાખ 21 હજાર ખેડૂતો પાસે વસૂલે છે. સરકાર બેંકને વ્યાજ આપે ત્યારે ખેડૂતોને તેના ખાતામાં જમા આપે છે. ઉપરાંત મેન્ટેનન્સ, પ્રોસેસિંગ અને ઇન્સ્પેક્શન સહિતના અન્ય ચાર્જ સાથે રૂપિયા 3000 પણ ખેડૂતો પાસેથી ખંખેરી લેતા હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે.

