રાજકોટ શહેરમાં થોડા વરસાદમાં જ ખાડારાજ જોવા મળી રહ્યું છે. રોડ-રસ્તાની બિસ્માર હાલતને લઈ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ હવે શાસક પક્ષ ભાજપનાં આગેવાન પણ આંદોલનનાં માર્ગે છે.
જેમાં કણકોટ જતાં રસ્તાની અત્યંત બિસ્માર હાલત અને તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જેને લઈને ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ રાઠોડ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર કણકોટ તરફનો આ મુખ્ય માર્ગ એન્જિનિયરિંગ કોલેજ, સરકારી કોલેજ, લાલભાઈ ત્રિવેદી કોલેજ, કણકોટ ગામ અને અનેક હોટલોને જોડતો મુખ્ય માર્ગ છે. આ રસ્તા પર દૈનિક હજારો વાહનોની અવરજવર રહે છે અને વિદ્યાર્થીઓ સહિત સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં નહીં લેવાયા હોવાનો આરોપ નરેન્દ્રસિંહ રાઠોડે લગાવ્યો છે.
નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આ આંદોલન કોઈ પક્ષનો કાર્યક્રમ નથી, પરંતુ એક જાગૃત નાગરિક તરીકેનું સામાજિક કાર્ય છે. છેલ્લા 3 વર્ષથી આ રસ્તા અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ મહાપાલિકાનું તંત્ર નિષ્ફળ રહ્યું છે.
મ્યુ. કમિશ્નર દ્વારા પણ આ રસ્તા અંગે કોઈ ધ્યાન અપાતું નથી. 2 જુલાઈના રોજ તેમણે આવેદનપત્ર આપી 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે તેઓ આંદોલન પર બેઠા છે.