Gujarat

ભક્તો ઘૂંટણસમા ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદની વચ્ચે કેમિકલયુક્ત પાણીની સમસ્યા ગંભીર બની છે. કુદસદ ગ્રામ પંચાયત વિસ્તારના રણછોડનગરમાં આવેલા પંચમુખી હનુમાન અને શંખેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ઔદ્યોગિક એકમોનું કેમિકલયુક્ત પાણી ફરી વળ્યું છે.

માંગરોળ તાલુકાના મોટા બોરસરા અને નવાપરા જીઆઈડીસીની કંપનીઓ દ્વારા ખુલ્લી ગટરોમાં છોડવામાં આવતા કેમિકલયુક્ત અને દૂષિત પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી. આ પાણી રણછોડનગર, મુન્ના એજન્સી અને સમૂહ વસાહત જેવા વિસ્તારોમાં ફેલાઈ ગયું છે.

છેલ્લા બે દિવસના વરસાદી પાણી અને કંપનીઓના દૂષિત પાણીના કારણે મંદિર પરિસરમાં ઘૂંટણ સુધીનું પાણી ભરાયું છે. અલુણા વ્રતના તહેવાર દરમિયાન નાની બાળકીઓને મંદિર સુધી પહોંચવા માટે આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કુદસદ ગ્રામ પંચાયતના સત્તાધીશો આ સમસ્યા પ્રત્યે ધ્યાન આપતા નથી. માનવસર્જિત સમસ્યા અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.