રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે બાળકીની પીઠ પર ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક કરાયું
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રહેતા શ્રી તરૂણભાઇ ધોળકીયાની દીકરી શ્રી રેણુકાનો જન્મ તા. ૧૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ થયો હતો, જેની પીઠ પર ગાંઠ હોવાથી આશા બહેને આરોગ્ય તપાસ કર્યા બાદ આર.બી.એસ.કે. (શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમને તેના વિસ્તારમાં એક બાળકી પીઠ પર ગાંઠ સાથે જન્મી હોવાની જાણ કરી.
તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૪ના રોજ આર.બી.એસ.કે. ટીમના શ્રી ડો. ગૌતમ મકવાણા અને ડો. હીરલ ઠુંમરે આ બાળકીને ન્યુરલ ટ્યુબ ડીફેક્ટ (કરોડરજ્જુની ખામી) હોવાનું સ્ક્રિનિંગ કર્યું. માતા-પિતાએ શરૂઆતમાં જેતપુર ખાતે ખાનગી તબીબ પાસે તપાસ કરાવી. ત્યાર બાદ માતા બાળકીને લઈને પિયરના ઘરે રહેવા જતા રહ્યા. ઓન કોલ ફોલો-અપ બાદ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે રેણુકાને વિનામૂલ્યે સારવાર માટે સંદર્ભ કાર્ડ ભરીને જનાના હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી, જ્યાં નિષ્ણાત તબીબોએ તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી.
સર્જરીની વાત સાંભળતા રેણુકાના માતા-પિતા તો ચિંતિત થઈ ગયા કે ઓપરેશનનો આટલો મોટો ખર્ચ ક્યાંથી કાઢવો? પરંતુ સરકાર તરફથી આર.બી.એસ.કે. અંતર્ગત તમામ સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે, તેવી જાણકારી મળતાં તેમને હાશકારો થયો. તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે બાળકીની પીઠ પર ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ પણ આર.બી.એસ.કે. ટીમ તથા આશા બહેનો દ્વારા રેગ્યુલર ફોલોઅપ ચાલુ રાખવામાં આવ્યું હતું.
હાલ રેણુકા એકદમ તંદુરસ્ત છે. તેના પરિવારજનોએ આર.બી.એસ.કે. ટીમ, સિવિલ હોસ્પિટલ અને જનાના હોસ્પિટલના તબીબો પ્રત્યે માર્ગદર્શક અને સહાયરૂપ બનવા બદલ આભારનો ભાવ વ્યક્ત કર્યો હતો, તેમ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.