અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા-લીમડી માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. બગોદરા ગામ પાસે અને ભોગાવા પુલ પાસે રસ્તામાં મોટા ખાડા પડ્યા છે. 47 નંબરના હાઈવે પર પડેલા આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ માર્ગ પર છેલ્લા આઠ વર્ષથી સિક્સ લેનના રસ્તાનું કામ અધૂરું છે. ખાડાઓના કારણે બગોદરા વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કેટલાક વાહનચાલકો ખાડાઓમાં પટકાયા હોવાના બનાવો પણ નોંધાયા છે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ આ રસ્તાના તાત્કાલિક રિપેરિંગની માંગણી કરી છે. રસ્તાની આ બિસ્માર સ્થિતિને કારણે વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવું પડે છે અને અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે.