વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વેરાવળ નગરપાલિકાએ પ્લાસ્ટિક મુક્ત શહેર અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ કોડીનારના વેપારીઓ સાથે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને સેક્રેટરી દિગંત દવેની આગેવાનીમાં શહેરની મુખ્ય બજારોમાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અનિષ રાચ્છ, મુકેશ ચોલેરા, અરવિંદ સોની અને વિવેક દવે સહિતના વેપારી આગેવાનોએ આ અભિયાનમાં ભાગ લીધો.

ટીમે બજારોમાં ફરીને દુકાનદારો, લારી અને ગલ્લાવાળાઓને પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજાવ્યું હતું. સાથે જ તેમને કાપડની થેલીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ચીફ ઓફિસર પરમારે જણાવ્યું કે 22 મેથી 5 જૂન સુધી જિલ્લામાં પ્રિ-કેમ્પેઈન ચાલી રહ્યું છે. આ દરમિયાન નુક્કડ નાટક, શાળાઓમાં સ્પર્ધા, સ્પોર્ટ્સ ઈવેન્ટ અને વૉકેથોન જેવા કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
હાલમાં નગરપાલિકા લોકજાગૃતિ અને સમજાવટ પર ભાર મૂકી રહી છે. જો કે, આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

