Gujarat

ડો. ગિરિશભાઈ શાહને “ જીવદયા અને અહિંસા” માટે 2025 નો JAINA ગ્લોબલ એવોર્ડ મળ્યો

ડો. ગિરિશભાઈ શાહને “ જીવદયા અને અહિંસા” માટે 2025 નો JAINA ગ્લોબલ એવોર્ડ મળ્યો

પશુ કલ્યાણ, પર્યાવરણીય સંરક્ષણ અને માનવીય ઉત્થાન માટેના સમર્પિત જીવનકાર્યનું સન્માન

“દયા એ તે ચલણ છે, જે દરેક જીવને સમૃદ્ધ કરે છે, જેને તે સ્પર્શે છે.” – ડો. ગિરિશભાઈ શાહ

શોમબર્ગ કોન્વેન્શન સેન્ટરમાં થયેલા ભાવનાત્મક સમારોહમાં વિશ્વપ્રખ્યાત પશુ કલ્યાણ કાર્યકર અને દાનવીર ડો. ગિરિશભાઈ શાહને “જીવદયા અને અહિંસા” માટેના 2025 ના JAINA ગ્લોબલ એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ ગૌરવસૂચક એવોર્ડ Jain Associations in North America (JAINA) દ્વારા આયોજિત વૈશ્વિક કન્વેનશન દરમિયાન આપવામાં આવ્યો. ડો. ગિરીશભાઈની અહિંસા પ્રતિની અટળ પ્રતિબદ્ધતા, તેમના દ્રષ્ટિવાન નેતૃત્વ હેઠળની સંસ્થા “સમસ્ત મહાજન” અને ભારતભરના સમુદાયો, પશુઓ અને પર્યાવરણ પરના ઊંડા અને વ્યાપક પ્રભાવ માટે આ સન્માન અપાયું.જૈન મુનિઓ, વિદ્વાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વૈશ્વિક જૈન ડાયસ્પોરાના આગેવાનો સહિત 5 હજાર થી વધુ પ્રતિનિધિઓની હાજરીમાં ડો. ગિરીશભાઈ એ શ્રીમતી કોકિલાબેન (એવોર્ડ સમિતિ અધ્યક્ષ) પાસેથી મરૂન-સોનાનું શિલ્ડ સ્વીકાર્યું . તે સમયે વિશાળ સ્ક્રીન પર ડો. ગિરીશભાઈના જીવનકાર્યની ઝાંખી દર્શાવવામાં આવી હતી.
1981 થી શરૂ થયેલું JAINA કન્વેનશન હવે વિશ્વની સૌથી મોટી જૈન ડાયસ્પોરાની મિટિંગ બની ગયું છે. 2025 ની થીમ “Unity in Diversity, A Path to Peace” દ્વારા પાંચ મુખ્ય જૈન વ્રતો—અહિંસા, અનેકાંતવાદ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરીગ્રહને વિવિધ સત્રો, યુવા હેકાથોન, મેડિકલ કેમ્પ અને ઈકો-ફ્રેન્ડલી પ્રદર્શન દ્વારા ઉજવવામાં આવ્યા છે. The Federation of Jain Associations in North America (JAINA) એ ઉત્તર અમેરિકા સ્થિત 72 જેટલી જૈન સંસ્થાઓ અને 1, 60, 000 થી વધુ સભ્યોનું મંડળ છે. આ સંસ્થા સંસ્કૃતિ રક્ષા, ધર્મવિશ્વાસ સંવાદ અને માનવસેવામાં પ્રગટ છે. બે વર્ષમાં એક વખત થતું કન્વેનશન જૈન મૂલ્યોની વૈશ્વિક રજૂઆત માટે મંચ પૂરું પાડે છે.
ડો. ગિરીશભાઈ શાહ ની એક નાનકડી પહેલથી રાષ્ટ્રીય કલ્યાણના અભિયાનની અત્યાર સુધીની જીવનયાત્રા જોઈએ તો, જૈન મુનિથી પ્રેરિત થઈ “Live and Let Live” ની ભાવનાથી શરૂ થયેલા ડો. ગિરીશભાઈ ના કાર્યમાર્ગે, ૨૦૦૨માં સમસ્ત મહાજનની સ્થાપના થઈ. આ સંસ્થાના માધ્યમથી તેઓએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 12000 થી વધુ ગૌશાળા અને પંજરાપોળોને ચારો, દવાઓ અને ઇનફ્રાસ્ટ્રક્ચર માટે સહારો આપ્યો. 1,50,000 એકર બંજર જમીનને હરિયાળી ગૌચરમાં ફેરવી ગ્રામ અર્થતંત્ર, ગ્રાઉન્ડ વોટર અને જૈવિ વૈવિધ્યને પુનઃસ્થાપિત કર્યું. પૂર, વાવાઝોડા અને મહામારીમાં રાહત કાર્ય—રાશન કિટ, પશુ ચારો અને વેટનરી સારવાર આપી, મહારાષ્ટ્ર અને ગુજરાતના દુષ્કાળગ્રસ્ત આદિવાસી વિસ્તારોમાં દેશી વૃક્ષોનું વાવેતર અને રેન વોટર હાર્વેસ્ટિંગના વિશાળ અભિયાન હાંસલ કર્યા.ધરવામાં આવ્યા છે. સંસ્થાની કામગીરી પારદર્શક વહીવટ, ઓડિટેડ હિસાબ અને સરકાર, કોર્પોરેટ અને સામાજિક સંસ્થાઓની ભાગીદારી સાથે ચાલી રહી છે. વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સેંકડો જીવોને સ્થળ પર જ સારવાર તેમજ અભયદાન પ્રાપ્ત થયું છે અને તેમની જિંદગીઓ પણ બચી છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સ સરકાર તેમજ સમાજ અને સંસ્થાઓનાં માધ્યમથી થાય તે માટે ડો. ગિરીશભાઇ શાહ સતત કાર્યશીલ છે. સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે.ડો. ગીરીશભાઈ શાહને અમેરીકામાં જૈનાના ભવ્ય કાર્યક્રમમાં આ એવોર્ડ અર્પણ કરાયો ત્યારે તેમની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી કિરણબેન શાહ અને રાજકોટથી મિતલ ખેતાણી સાથે જોડાયા હતા. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250712-WA0118-0.jpg IMG-20250712-WA0117-1.jpg