ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામમાં નેશનલ હાઈવે પર માટી ભરેલા ડમ્પરોએ આતંક મચાવ્યો છે. ડમ્પરે એક કારને અડફેટે લીધી હતી, જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં રાણવસી અને માઢગામની નદીમાંથી ખાનગી કંપની દ્વારા માટી ખનન કરવામાં આવી રહ્યું છે. આ માટી ભરેલા ડમ્પરો નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં દોડી રહ્યા છે. નેશનલ હાઈવેના ડિવાઈડર તોડીને પસાર થતા આ વાહનો કલેક્ટરના જાહેરનામાનો પણ ભંગ કરી રહ્યા છે.

4 મે 2025ના રોજ આરટીઓ તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માઢગામમાં સરકારી સર્વે નંબરની જમીનમાંથી માટી-મોરમ કાઢવા પ્રાઈવેટ કંપનીને મંજૂરી આપવામાં આવી છે. ગ્રામપંચાયતના સભ્યોએ લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
કેસરીયા ગામના પુલ નીચેથી 24 કલાક માટી ભરેલા ડમ્પરો પસાર થાય છે. બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. પોલીસ, આરટીઓ, રેવન્યુ વિભાગ અને પંચાયત તંત્રની નિષ્ક્રિયતાને કારણે લોકોની સલામતી જોખમમાં મુકાઈ રહી છે.

