ગાંધીધામની લાંબા સમયની માંગને અંતે સંતોવવામાં આવી છે. ધારાસભ્યે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગાંધીધામને પેટા વિભાગીય પીજીવીસીએલ કચેરીનો પ્રસ્તાવ મંજુર કરવામાં આવ્યો છે. સુત્રોએ જણાવ્યું કે ગાંધીધામને હવે બે વિભાગોમાં વિભાજીત કરાશે, આમ મહેકમ બેવડાવાથી લોકોને વીજ લક્ષી વધુ સુવિધાઓ અને જલદી સુવિધાઓ આપી શકાસે. ગાંધીધામ પીજીવીસીએલમાં હાલ ચાર પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત છે.
જેમાં એક ગાંધીધામ, બીજી આદિપુર, ત્રીજો રામબાગ અને ચોથા ઝોનનો સમાવેશ થાય છે. ગાંધીધામ એકલામાંજ 56 હજાર જેટલા વીજ ક્નેક્શનો છે. સામાન્ય રીતે 30 હજાર ક્નેક્શનો ઉપરજ એક સબ ડિવીઝન બનાવી દેવાતું હોય છે, પરંતુ ગાંધીધામમાં 56 હજાર એટલે કે ઓલમોસ્ટ બમણુ હોવા છતાં તેને પેટા કચેરી અપાઈ નહતી.
પરિણામ સ્વરુપ આટલી મોટી સંખ્યામાં હાલ એકજ કચેરીનો ઉપલબ્ધ 57 ના સ્ટાફનો મહેકમ કાર્ય કરી રહ્યો હતો. જે સમયસર પહોંચી ન વળતા વારંવાર વિજળી જવી, ફોલ્ટ શોધવા અને તેના રીપેરીંગમાં થતું મોડુ જેવા પ્રશ્નો સામે આવતા હતા. લોકોમાંથી પણ આ અંગે ભારે રાવ ઉઠવા પામી હતી ત્યારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ અંગે વિવિધ સ્તરે રજુઆત કરવામાં આવી હતી.
અંતે, ગાંધીધામ પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનું વિભાજન કરી ગાંધીધામ અર્બન – 2 પેટા વિભાગીય કચેરી ફાળવવા બાબતે ગાંધીધામનાં ધારાસભ્ય તરફથી કરવામાં આવેલ રજૂઆતના પ્રતિસાદ રૂપે રાજ્ય સરકાર તરફથી નવી ગાંધીધામ અર્બન – 2 પેટા વિભાગીય કચેરી ફાળવવા સહમતી દર્શાવી છે, અને તેની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોવાનું ધારાસભ્યે જણાવ્યું હતું. આ બાબતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, રાજકોટ ઓફિસ તરફથી વિશેષ મહાપ્રબંધક (મા.સં), પીજીવીસીએલ કચેરીમાં પત્રાંક નંબર 2434 થી ધારાસભ્ય કાર્યાલયને માહિતી આપવામાં આવી છે.