Gujarat

તળાવ ખોદકામથી લઈ આશ્રયસ્થાન સુધીની વ્યવસ્થાઓની વિસ્તૃત ચર્ચા, કંટ્રોલરૂમ 24 કલાક ચાલુ રહેશે

ખંભાળિયા જિલ્લા સેવા સદનમાં આગામી ચોમાસાની પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર અને નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયાએ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં ગત વર્ષની કામગીરી અને વરસાદના આંકડાઓની સમીક્ષા કરવામાં આવી. તળાવોના ખોદકામ, જર્જરિત મકાનોનો સર્વે, વૃક્ષો અને વીજલાઈનનું નિરીક્ષણ, નાળાની સફાઈ જેવી આવશ્યક કામગીરી પર ચર્ચા થઈ. સ્થળાંતર માટે આશ્રયસ્થાનો નક્કી કરવામાં આવ્યા. તાલુકાવાર લાઈઝન અધિકારીઓની નિમણૂક અને નુકસાન સર્વે માટે ટીમની રચના કરવામાં આવી.

ડિઝાસ્ટર સ્ટાફને તાલીમ આપવાની સાથે 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવાનું નક્કી કરવામાં આવ્યું. ચોમાસા દરમિયાન અદ્યતન રિપોર્ટ, હવામાન ચેતવણીઓ અને આવશ્યક સૂચનાઓ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. રોગચાળો અટકાવવા દવાઓનો પૂરતો સ્ટોક રાખવાનું આયોજન કરાયું.

તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિની બેઠકો યોજવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાની સૂચના આપવામાં આવી. બેઠકમાં નાયબ કલેક્ટર રિધ્ધિ રાજ્યગુરુ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.