Gujarat

વેપારીને અંગરક્ષક રાખવા અને સરકાર તરફથી કરોડો રૂપિયાનું ઈનામ અપાવવાની લાલચ આપી, ખોટા દસ્તાવેજો અને હાઈકોર્ટના નકલી હુકમો બનાવ્યા

સરથાણા વિસ્તારમાં એક કાર્ટિંગના વેપારીને અંગરક્ષક રાખવા અને સરકાર તરફથી કરોડો રૂપિયાનું ઈનામ અપાવવાની લાલચ આપી 64.36 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

આ કેસમાં પિતા-પુત્ર સામે સુરત પોલીસે ઠગાઈની ફરિયાદ દાખલ કરી છે. ઠગાઈ માટે પિતા-પુત્રે ખોટા દસ્તાવેજો અને હાઈકોર્ટના નકલી હુકમો બનાવ્યા હતા. સરથાણા પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી છે.

સીમાડા ગામે રહેતા અને રેતી-કપચીના વેપારી ધીરુભાઈ રામજીભાઈ લાઠીયા (ઉ.વ. 42) છેલ્લા કેટલાક સમયથી સરથાણા, માન સરોવર સોસાયટી પાસે આવેલા “રામદેવ શોપિંગ” માં પોતાના મિત્ર રાજુભાઈ ભાલાળાની ઓફિસમાં જતાં હતા. ત્યાં તેમની ઓળખ જગદીશ મગન ભાલાળા અને તેના પુત્ર કાર્તિક ભાલાળા સાથે થઈ હતી.

આરોપી ભાલાળા પિતા-પુત્રે ધીરુભાઈ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, તેમના વતન અમરેલી, સાવરકુંડલા, થોરજડી ગામે માઈનિંગ કંપની સામેનો એક કેસ તેઓએ 17 વર્ષ બાદ જીત્યો છે.

આ કેસમાં માઈન્સ કંપની પાસેથી 6800 કરોડનું કાળું નાણું પકડાયું હતું, જેના બદલમાં સરકાર દ્વારા તેમને 2800 કરોડ રૂપિયાનું ઈનામ અને પોલીસ પ્રોટેક્શન મળવાનો હુકમ થયો છે.

આરોપીઓએ ધીરુભાઈને લોભામણી વાતો કરી હતી અને કહ્યું હતું કે, “હવે હું પોલીસ પ્રોટેક્શન ના લઈ, અંગત અંગરક્ષક રાખવા ઈચ્છું છું.

જે પણ મારા અંગરક્ષક બનશે, તેને સરકાર અનેક ફાયદા આપશે.“ તમારી અને તમારી ફેમિલીની બધી લોન સરકાર માફ કરશે. “માસિક 30,000 રૂપિયાનું પેટ્રોલ ભથ્થું મળશે. 45 લાખ રૂપિયાની એક કાર મળશે.”