જામનગરની જી.જી. હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડી છે.જેમાં ફરજ પર ના હોય તેવા કર્મીના નામે સાત માસના પગાર બિલ ઉધારી પૈસા ઉપાડી લેવા મામલે સીટી બી પોલીસ મથકમાં એક સેનેટરી ઇન્સ. અને એક વર્ગ-4ના કર્મચારી સામે ફરીયાદ નોંધાઇ છે.
ફરજ પર ના હોય તેવા કર્મચારીના સાત માસના પગારના બિલો મંજુર કરાવી રૂા. 89 હજારથી વધુની ઉચાપત આચર્યાનુ જાહેર થયુ છે.આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જી.જી. હોસ્પીટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા ડો. પ્રમોદકુમાર રામદાસ સકસેનાએ સીટી બી પોલીસ મથકમાં આઉટ સોર્સિગના કોન્ટ્રાકટ કર્મી સેનેટરી ઇન્સપેકટર મકસુદ પઠાણ અને વર્ગ-4ના કર્મચારી રાજેન્દ્રસિંહ ઘીરૂભા જાડેજા સામે ફરીયાદ નોંધાવી છે.
જે ફરીયાદમાં જાહેર થયા અનુસાર બંનેએ હોદ્દાનો દુરૂપયોગ કરી આઉટ સોર્સના કર્મચારી કિશન જગદિશભાઇ ગઢવી જેઓ નોકરી પર ન આવતા હોવા છતા બંનેએ એકસંપ કરી ખોટી હાજરી પુરી, દર માસના 12,839 લેખે સાત માસના રૂા. 89,873ની રકમનુ પગાર બિલ બનાવી લેવાયુ હતુ. જે રકમ પણ હોસ્પીટલની વહીવટી કચેરી ખાતેથી મંજુર કરાવી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનુ જાહેર થયુ છે.
આ બનાવ મામલે બંને સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સીટી બી પોલીસે હાથ ધરી છે. ગત તા. 1 -5-24થી નવેમ્બર 24 સુધી ઉપરોકત બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

