લોકોના સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. ઝીરો બજેટની ખેતીથી જમીનનું રક્ષણ પણ થશે અને લોકોની આરોગ્ય ગરિમા પણ જળવાઈ રહેશે એ ખેડૂતોને સમજાયું છે, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના ખેડૂત પરીમલભાઈ દેસાઈએ 2010થી પ્રાકૃતિક ખેતી અપનાવીને આત્મનિર્ભર બન્યા છે.
પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય મોડેલનો ઉપયોગ કરીને ખેડુતે કેરી, ચીકુ, શેરડી, ચોખા જેવા પાકોનું ઉત્પાદન કરીને તેનું મૂલ્યવર્ધન કરીને ડબલ આવક મેળવી છે. આજના સમયમાં પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે.
વધતા જતા રાસાયણિક ખાતરો- પેસ્ટીસાઈડઝ, દવાઓના પરિણામે કેન્સર જેવા રોગોનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. ત્યારે ગાય, ગામડુ અને ખેતી વિના ઉદ્ધાર નથી. પરિમલભાઇએ 2010ના વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનું સંપુર્ણ પાલન કરીને ખેતીમાં અદ્દભુત પરિણામો મેળવ્યા છે.
ખેતીપાકોમાં બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાપસા, મિશ્રપાક એમ પાંચ આયામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં વિવધ પ્રયોગો કરીને પોતાની જમીનને રસાયણયુકત ખેતીમાંથી મુક્ત કરી છે. પંચસ્તરીય મોડેલના ઉપયોગથી અનેકગણું પરિણામ મળ્યું છે.
પ્રાકૃતિક કૃષિથી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે. જેથી જમીનની ભેજ તારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. સરવાળે વીજળી બિલ પણ ઘટ્યું, પાણીની બચત થઈ, જમીનમાં પણ સુધારો થયો અને એકંદરે અમારો ખેતીનો ખર્ચ પણ ઘટ્યો છે.
તેઓ પ્રાકૃતિક ખેતીનો પ્રસાર-પ્રચાર થાય તે માટે મંદિર ગામમાં આવેલ ‘શાંતિ નીલયમ’ પ્રાકૃતિક કૃષિ ફાર્મનું GOPCA હેઠળ રજીસ્ટ્રેશન કરાવી ગામના આસપાસના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે
રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગના પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી છે. જેથી ધરતીમાતાને પુન: ફળદ્રુપ બનાવવા અને લોકોને સ્વસ્થ, સશક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.
પ્રાકૃતિક ખેતીમાં બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી. ગામનો પૈસો ગામમાં, શહેરનો શહેરમાં અને દેશનો પૈસો દેશમાં રહેશે. આ ખેતીમાં રોજગારીની પણ વિપુલ તકો રહેલી છે. પ્રગતિશીલ યુવાનો આ ખેતીને ઉન્નત બનાવી શકે છે.

