Gujarat

કચ્છના ધોરીમાર્ગ પર ખેડૂતોનું ચક્કાજામ, 10 કિમી વાહનોની કતારો

કચ્છના સામખીયારી નજીક વાંઢીયા ગામે ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કર્યો હતો. અદાણી કંપની દ્વારા હાઈ-ટેન્શન વીજ લાઈનના ટાવર ઊભા કરવાના કામ સામે અપૂરતા જમીન વળતર મુદ્દે ખેડૂતો છેલ્લા ચાર મહિનાથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે કચ્છ કિસાન સંઘ દ્વારા મહાસભા યોજવામાં આવી હતી. જે બાદ રેલી યોજાઈ હતી. તેમજ ધોરીમાર્ગ પર મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી ચક્કાજામ કર્યો હતો.

ખેડૂતોની મુખ્ય એક જ માગ છે કે અમને જંત્રીના ભાવના બદલે હાલની બજાર કિંમત મુજબ વળતર આપવામાં આવે. આ મુદ્દે ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરી રહ્યા હતા, ત્યારે આજે ખેડૂતોએ ચક્કાજામ કરીને કંપની સામે તેમજ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

10 કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી.

ધોરીમાર્ગ પર બંને તરફ વાહનોની કતારો લાગી આ ચક્કાજામ બપોરે 3:30 વાગ્યાથી શરૂ કરાયું હતું. જે સાંજ સુધી ચાલ્યું હતું. જેના કારણે ધોરીમાર્ગ પર બંને તરફ આશરે 10-10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી. ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી સાથે આજે વાંઢીયા ખાતે કચ્છ કિસાન સંઘ દ્વારા મહાસભા યોજવામાં આવી હતી. જેમાં 120 દિવસથી ચાલી રહેલા આંદોલનને ભવિષ્યમાં પણ ચાલુ રાખવાનો ખેડૂતોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ મહાસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. રામધૂન કર્યા બાદ ખેડૂતોએ રેલી યોજી હતી અને વાંઢીયામાં ચાલી રહેલું કામ બંધ કરાવ્યું હતું.