ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે બાગાયત કચેરી સામે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યું છે. કેસર કેરીના નિષ્ફળ પાકના સર્વેમાં ગેરરીતિના આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.

રાજ્ય સરકારના આદેશ મુજબ એક માસ પહેલા ગીર સોમનાથ બાગાયત વિભાગે સર્વે હાથ ધર્યું હતું. આ સર્વેમાં વિભાગે ખેડૂતોને દોષિત ઠેરવ્યા હતા. જેના કારણે ગીર પંથકના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

15 દિવસ અગાઉ 33 ગામના સરપંચો સહિત ખેડૂતોએ રિ-સર્વેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ બાગાયત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોએ આજે ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે.

આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પણ ખેડૂતોની માંગણીઓને સમર્થન આપવા જોડાયા છે. ખેડૂતોની માગ છે કે સરકાર તટસ્થ રીતે ફરીથી સર્વે કરાવે અને ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરે.


