કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશને પાણી માટે ધરણાં ઉપર બેઠેલા ખેડૂતો બીજા દિવસે અડગ રહ્યા હતા. જોકે, સાંજે ખેડૂતો પશુઓ દોહવા જાય છે અને રાત્રે પરત આવતા હોવાનું કહી રહ્યા છે. ચાંગા ખાતે આવેલા નર્મદા કેનાલ પરના ચાંગા દાંતીવાડા પાઈપલાઈન સાયફન ખાતે નર્મદાનું પાણી છોડાવવા માટે 4 તાલુકાના ખેડૂતો ધરણા પર બેઠા છે.
પાણી ન છોડે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા બેઠેલા ખેડૂતોનું આંદોલન સવારે મજબૂત હોય છે અને સાંજ પડે એટલે 20 જેટલા ખેડૂતો હોય છે. ખેડૂત આગેવાન અમરાભાઇ પટેલે જણાવ્યું હતું કે, સાંજે ખેડૂતો પશુઓ દોહવા જાય છે.અને સાંજે મોડા પરત આવે છે. બુધવારે ખેડૂતોને પાણી મળે તે માટે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતજી ઠાકોરે અમારી મુલાકાત લીધી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને પાણી અત્યારે મળવું જોઈએ. કેમકે, સૌથી વધુ પાણીની જરૂર સૌને ઉનાળામાં પડે છે. તેઓ ઢોર ઢાંખર અને પુરા પરિવાર સાથે ખેતરોમાં વસવાટ કરે છે. તેમનો મુખ્ય સહારો નર્મદાનું પાણી છે ખેડૂતોનું હિત સરકાર ઇચ્છતી હોય તો સરકારે ખેડૂતોને પાણી આપવું જ જોઈએ. ખેડૂતોનું પાણી મુદ્દે આંદોલન યથાવત છે. તસવીર: અમૃત ઠાકોર