હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ડાંગર ખરીફ પાકનો પાક હાલમાં જ તૈયાર થઈ ગયો હોવાથી, ખેડૂતોને ગયા વર્ષ જેવી નુકસાનીની ભીતિ સતાવી રહી છે.
કમોસમી વરસાદની આશંકાથી ડાંગરનો તૈયાર પાક પલળી ન જાય તે માટે, સુરત જિલ્લાના ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત ગોડાઉન અને જીનિંગ મિલમાં સ્ટોરેજ કરાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. ડાંગરનો પાક બચાવવા ખેડૂતો 18 કલાક સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર થયા છે. જીનિંગ મિલ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર જોવા મળી છે.
ઓલપાડના ખેડૂતોની હાડમારી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ખેડૂતો ડાંગરના તૈયાર પાકને બચાવવા માટે ભારે હાડમારી વેઠી રહ્યા છે. ઓલપાડ તાલુકાના અનેક ખેડૂતો પોતાનો ડાંગરનો માલ લઈને જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે પહોંચ્યા છે, પરંતુ ત્યાં ડાંગર સ્ટોરેજ કરાવવા માટે ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી છે.

