ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ અને વાતાવરણની વિપરીત પરિસ્થિતિએ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માગણી કરી છે.

પ્રવીણ રામના જણાવ્યા અનુસાર, માવઠા પહેલા જ વાતાવરણના કારણે કેરીનો 70-80 ટકા પાક નિષ્ફળ ગયો હતો. હવે માવઠાના કારણે બાકીનો 20 ટકા પાક પણ નષ્ટ થઈ ગયો છે. આમ કુલ મળીને 90 ટકા જેટલું નુકસાન થયું છે.

કેરીનો પાક વાર્ષિક હોવાથી આગામી એક વર્ષ સુધી ખેડૂતોને કોઈ આવક મળવાની નથી. આ પરિસ્થિતિમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. પ્રવીણ રામે વિડિયો મારફતે સરકારને અપીલ કરી છે કે સર્વેની પ્રક્રિયામાં સમય બગાડ્યા વિના તાત્કાલિક ધોરણે વળતરની જાહેરાત કરવામાં આવે.


