સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખીગા ગામે આવેલી શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં કેમિકલ ભરેલું એક ટેન્કર અને અન્ય એક ટેમ્પો પણ આગની ચપેટમાં આવી ગયા છે.
આગ ચાલુ કંપનીમાં લાગી હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. કેમિકલ કંપની હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

આગ પર કાબુ મેળવવા માટે બારડોલી, કડોદરા, કામરેજ અને સચિન સહિતના વિસ્તારોમાંથી 10થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરના જવાનો દ્વારા ફોર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો છે અને પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરી રહ્યો છે.

