સુરતીઓને આખરે દાયકા પછી ડુમસ નવા રંગરૂપમાં જોવા મળશે. આમ તો સુડા સમયથી દસેક વર્ષથી આ પ્રોજેક્ટના સપનાં બતાવવાના શરૂ કરાયાં હતાં, જે હવે નવા વર્ષમાં સાકાર થશે. ઝોન-1માં બીચ વૉલીબૉલ, ફૂડ કોર્ટ સહિતની સુવિધા મળશે.
ઉપરાંત સુરત-નવસારીને જોડતો સચિનનો સાતવલ્લા બ્રિજ પણ ખુલ્લો મુકાશે. મેટ્રો રેલની બંને લાઇનનું સિવિલ વર્ક પૂર્ણ કરી દેવાશે. આમ, નવા વર્ષમાં હરવા-ફરવા, રોડ-બ્રિજ-અંડરપાસ સહિતની સુવિધા મળતી થઈ જશે.
બીચ વૉલીબૉલ, ફૂડ કોર્ટ સહિતની સુવિધા શરૂ થઈ જશે
ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ ઝોન-1 પેકેજ-1 અને 2 અર્બન ઝોનનો 256 કરોડના ખર્ચે વિકસાવાયેલો ભાગ આ વર્ષે ખુલ્લો મુકાશે, જેમાં બીચ પર મલ્ટિ લેવલ પાર્કિંગ, બીચ વૉલીબૉલ કોર્ટ, મલ્ટિપર્પઝ ગ્રાઉન્ડ, ફૂડકોર્ટ, પેવલિયન, સાઇકલ રેન્ટલ શોપ, કિડ્સ પ્લે એરિયા, બાસ્કેટ બૉલ કોર્ટ, અર્બન બીચ, વોક-વે, ઇવેન્ટ એરિયા, પ્લાઝા, એમિનિટી બિલ્ડિંગ, કાફે એરિયા, મરની થીમ બેઇઝ લેન્ડસ્કેપિંગ, હૉર્ટિકલ્ચર, બેસવાની સુવિધા, વોકિંગ ટ્રેક સહિતની સુવિધાઓ મળી રહેશે.
મેટ્રોનું સિવિલ વર્ક જૂન સુધીમાં પૂર્ણ કરાશે
મેટ્રો લાઇન 1 અને 2ના 41 કિમીના રૂટનું સિવિલ વર્ક જૂન સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જેમાં લાઇન 1માં કાદરશાની નાળથી ડ્રીમ સિટીનો રૂટ પ્રાયોરિટી કોરિડોર છે.