શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી.મોદી હાઇસ્કૂલ સાવરકુંડલામાં મૂળ સાવરકુંડલાના વતની ને હાલ પનામાં (અમેરિકા)માં વસતા ત્વીશાબેન કામદાર દ્વારા ફર્સ્ટ એડ એટલે કે અકસ્માત થતા વ્યક્તિઓને થતી જુદી જુદી ઇજાઓમાં દર્દીને હોસ્પિટલ લઈ જતા પહેલા આપવામાં આવતી પ્રાથમિક સારવારની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમાં લોહી નીકળતા ઘાવ ,હાડકામાં ભાંગ તૂટ ,અન્નનળી ,શ્વાસનળી , ગરદન ,પીઠ વગેરે અંગોમાં કોઈ મુશ્કેલી કે ઇજા પહોંચે તો કઈ રીતે પ્રાથમિક સારવાર કરવી તેની ઓડિયો વિઝ્યુઅલ એટલે કે વિડીયો પ્રોજેક્ટ દ્વારા પડદા ઉપર બતાવી તેમજ જે માટે જુદા જુદા સાધનો વપરાય છે તેનું નિદર્શન અને કઈ દવા અપાય તેની માહિતી તથા દર્દી અને પ્રાથમિક સારવાર આપનારે કઈ રીતે વિશેષ કાળજી રાખવી પડે તેની સમજણ આપી હતી.
શાળાના કોન્ફરન્સ હોલમાં શાળાના ધોરણ ૧૧ અને ૧૨ ના લગભગ ૬૦ વિદ્યાર્થીઓએ ખૂબ જ રસ પૂર્વક આ તાલીમ નિહાળી, પ્રાયોગિક રીતે પણ સમજણ મેળવી હતી. ત્વિશાબેન હાલ પનામામાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે.તેમણે પણ ખૂબ જ ભાવમય શૈલીમાં અંગ્રેજી ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરી તાલીમ આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિક્ષક જીતુભાઈ ભટ્ટે મહેમાનોને આવકાર અને પરિચય આપ્યો હતો. તો શાળાના આચાર્ય આશિષભાઈ જોશી સાહેબે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે મહેમાનોએ પણ કાર્યક્રમના આયોજન અને વિદ્યાર્થીઓના શિસ્તના વખાણ કરી અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

