ગાંધીનગરમાં આગામી 20 માર્ચ 2025ના રોજ બાળસાહિત્ય વિષય પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થશે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ICSSR અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પરિસંવાદ સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા કોન્ફરન્સ હોલમાં સવારે 10 વાગ્યે શરૂ થશે.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ.જોશીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. IITE ગાંધીનગરના કુલપતિ પ્રો. આર.સી.પટેલ અને CUGના કુલપતિ પ્રો. રમાશંકર દુબે પણ ઉપસ્થિત રહેશે.
આ એક દિવસીય પરિસંવાદમાં પાંચ દેશના નિષ્ણાતો પોતાના દેશના બાળસાહિત્ય વિશે વક્તવ્ય આપશે. અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રો. કેરેન કોટ્સ, લંડનના પ્રો. પરીન સોમાણી, મરાઠી બાળસાહિત્યકાર એકનાથ આહ્વાડે, પોલેન્ડના ડૉ. ફિલિપ રુસિન્સ્કી અને નેપાળના ડૉ. કુસુમાકર નિયોપાને બીજ વક્તવ્ય આપશે.

“સાંસ્કૃતિક સમન્વય : વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે બાળસાહિત્ય” થીમ પર યોજાનાર આ પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય બાળવિકાસમાં બાળસાહિત્યની ભૂમિકા અંગે ચર્ચા કરવાનો છે. આ ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે સંશોધન આધારિત શૈક્ષણિક સહયોગ વધારવાનું લક્ષ્ય છે. પરિસંવાદમાં 150થી વધુ સંશોધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

