નયનાબેન પટેલને ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય ગુજરાત ભાજપના સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે. નયનાબેન પટેલ અગાઉ ત્રણ ટર્મ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.
તેમના કાર્યકાળ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની નિમણૂકથી જિલ્લા સ્તરે ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવાની આશા છે.
આ નિમણૂક ગુજરાત ભાજપના સંગઠનના ઘ્વારા લેવાયો છે. અગાઉ ભાજપે જ્યારે જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી હતી તે સમયે ખેડા જિલ્લાની જાહેરાત બાકી રાખવામાં આવી હતી.
આ વખતે થોડા દિવસો બાદ ભાજપ દ્વારા તમામ પાસા સાચવી અને પાટીદાર કાર્ડ તરીકે નયનાબેન પટેલને પક્ષની કમાન સોંપી છે. આ તરફ નયનાબેન વહીવટી રીતે પણ બહોળો અનુભવ ધરાવે છે.

નયનાબેન પટેલ ત્રણ ટર્મથી ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત પંચાયતી રાજ સમિતિના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ જાહેરાત થઈ હતી.
નડિયાદ કમલમ ખાતે ભાજપ કાર્યકરોની મિટિંગમાં જાહેરાત થતા સૌએ વધાવી લીધા છે. નવા વરાયેલા પ્રમુખ નયનાબેનને પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને તમામ ધારાસભ્યોએ પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા છે.
ખેડા જિલ્લા ભાજપના પ્રમુખપદની છેલ્લા બે વર્ષથી સુપેરે જવાબદારી સંભાળી રહેલા અજયભાઈ બ્રહ્મભટ્ટે તેમની જગ્યાએ જિલ્લા ભાજપના નવા પ્રમુખપદે નયનાબેન પટેલના નામની દરખાસ્ત મૂકી હતી.
જેને આ બેઠકમાં ઉપસ્થિત નડિયાદના સીનીયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ટેકો આપતા ખેડા જિલ્લા ભાજપના નવા પ્રમુખપદે નયનાબેન પટેલ સર્વાનુમતે નિયુક્ત થયા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપના સિનિયર અગ્રણી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,પદ અને હોદ્દો એ વ્યવસ્થાનો ભાગ છે.
ભાજપ એ અન્ય રાજકીય પક્ષો કરતા અલગ પાર્ટી છે.વ્યક્તિ કોઈપણ હોય વ્યવસ્થા કાયમી છે.અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષની જિલ્લા ભાજપ પ્રમુખપદની જવાબદારી દરમિયાન મને સહુ કાર્યકરો હોદ્દેદરોનો સહકાર મળ્યો છે.
જેથી ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી લઈ વિધાનસભા અને સંસાદસભ્યની ચૂંટણી ઉપરાંત સહકારી સંસ્થાઓના પણ ભાજપે સત્તા મેળવી છે તેવો જ સહકાર નવા પ્રમુખ નયનાબેન પટેલને આપવા તેમણે સહુ કાર્યકરોને અપીલ કરી હતી.

નવા નિયુક્ત થયેલા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો પોતાને સોંપવામાં આવેલી આ નવી જવાબદારી માટે આભાર માન્યો હતો.આગામી સમયમાં ખેડા જિલ્લામાં ભાજપનો વ્યાપ વધે,ખેડા જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં પણ ભાજપ સત્તા કબજે કરે તે માટે સહુને સાથે રાખી કામ કરશે તેવી ખાતરી આપી હતી.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે નિયુક્ત થયેલા નાયનાબેન પટેલને ખેડાના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે પણ દિલ્હીથી અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી.આજની બેઠકમાં ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ,અર્જુનસિંહ ચૌહાણ,સંજયસિંહ મહિડા,રાજેશભાઇ ઝાલા,યોગેન્દ્રસિંહ પરમાર,કલ્પેશભાઈ પરમાર, અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી જાહનવીબેન વ્યાસ,જિલ્લા ભાજપ સંગઠનના સહુ હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

