આમોદ તાલુકાના સરભણ ગામની સીમમાં હેઝાર્ડ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અંકલેશ્વરની સિદ્ધી સમ્રાટ ડાય કેમિકલ પ્રા.લિ. સામે ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગત જૂન માસમાં સરભણ ગામની સીમમાંથી હેઝાર્ડ વેસ્ટ ભરેલું એક ટેન્કર પકડાયું હતું. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તાજેતરના રિપોર્ટમાં કેમિકલમાં એસિડનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ મામલે કંપની વિરુદ્ધ IPC અને પર્યાવરણ સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે ધવલ કાંતિભાઈ કંટારિયા, નિલેશ જમનાદાસ ભૂત, જયંતી જેસંગભાઈ ધામોર અને ટેન્કર ડ્રાઈવર આનંદ નટવરભાઈ પરમારની ધરપકડ કરી છે. ડીવાયએસપી પી.એલ. ચૌધરીએ જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
પર્યાવરણને નુકસાન થતું અટકાવવા તમામ કાયદેસર પગલાં લેવામાં આવશે. હાલમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.