નડિયાદના પીજ રોડ પર રહેતી 18 વર્ષિય મૈત્રી ઠાકરે નાની ઉંમરમાં જ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. તેણીએ ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખી પરદેશની ધરતી પર પરફોર્મન્સ આપી સૌના દિલ જીતી લીધા છે. કેન્યાના નૈરોબી અને મોમ્બાસા ખાતે મૈત્રી ઠાકરે હનુમાનચાલીસા પર અંદાજીત સાડા સાત મીનીટ સુધી ભરતનાટ્યમ રજૂ કરી હજારો પ્રેક્ષકોના દિલમાં ભારતીય સંસ્કૃતિનો દિપ પ્રગટાવ્યો છે.

નડિયાદ શહેરના પીજ રોડ પર શાંતિકુંજ સોસાયટીમાં રહેતી 18 વર્ષિય મૈત્રી સંદીપભાઈ ઠાકર 6 વર્ષની હતી ત્યારથી જ ભરતનાટ્યમની જીજ્ઞાશા જાગી હતી. તેણીની માતા પ્રતિક્ષાબેને ભારતીય સંસ્કૃતિની આ જીવનશૈલીના બીજ રોપ્યા હતા.
જે બાદ મૈત્રીએ પોતાના વિસારક ગુરૂ પાસે તેની પુરતી પ્રેક્ટિસ શરૂ કરી હતી અને ભરતનાટ્યમની સંપૂર્ણ તાલીમ લીધી હતી.
દિવસો વિતતા ગયા અને મૈત્રીએ પોતાની કલાને વિકસાવવાની સાથે સાથે અભ્યાસ પર પણ ફોકસ કરી આગળ વધવા લાગી.
આજે 18 વર્ષની મૈત્રી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં ત્રીજા સેમેસ્ટરમા સાયકોલોજી વિષયમાં અભ્યાસ કરી રહી છે.

તેણીનીને આ ક્ષેત્રમાં આવડત અને ધગસ જોઈ કોલેજના આચાર્ય મહેન્દ્ર દવે અને કલ્ચર એક્ટીવીટીના ડો.કલ્પના ભટ્ટ દ્વારા મૈત્રીને અભ્યાસની સાથે સાથે સતત પ્રોત્સાહન આપવામાં આવતું હતું.
જેના કારણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલા યુથ ફેસ્ટિવલમાં ભરતનાટ્યમમાં મૈત્રી અવલ્લ આવી અને કોલેજનું નામ રોશન કર્યું હતું. કોલેજની દરેક સાંસ્કૃતિક એક્ટીવીટીમા તેણીએ ભાગ લીધો હતો.

મૈત્રી ઠાકરે નડિયાદની શિવમય આર્ટસ એકેડમી તરફથી 20 મે અને 25 મે ના રોજ પરદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે.
20 મે ના રોજ ‘ભારતીય સંસ્કૃતિની રાજુઆત’ કરતા કાર્યક્રમમાં કેન્યાના મોમ્બાસામા અને 25 મે ના રોજ નૈરોબી ખાતેના જલારામ મંદિરમા સાંસ્કૃતિક કાર્યક્રમમા ભરતનાટ્યમ નૃત્યની સફળ રજૂઆત કરી છે.
જેમાં મૈત્રીએ ભારતીય પારંપારિક ભારતીય પરિધાનમાં હનુમાન ચાલીસા પર ભરતનાટ્યમ નૃત્ય કર્યું હતું અને હજારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
અંદાજીત સાડા સાત મીનીટ સુધી સ્ટેજ પરથી સુંદર મન મોહી દે તેવુ પરફોર્મન્સ આ દીકરીએ આપ્યું હતું.
જે નિહાળી સૌ લોકોએ મૈત્રીને હનુમાનજીના પ્રતિક તરીકે બિરુદ આપી તેની કલાને બિરદાવી હતી. ભારતીય સંસ્કૃતિને સાત સમુંદર પાર રજૂ કર્યા બાદ દીકરી કોલેજમાં આવતા કોલેજના આચાર્યએ આ દીકરીને બિરદાવી હતી.

દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં મૈત્રી ઠાકરે જણાવ્યું કે, તેણીની 6 વર્ષની હતી ત્યારથી જ આ કલા ક્ષેત્રે વળેલી છે. સૌપ્રથમ માવતરે આ કલાને દીલમાં જગાવી હતી જે બાદ તેમનો સિંહ ફાળો રહ્યો હતો.
તેણીએ અગાઉ પણ પેરીસ ખાતે ભરતનાટ્યમ નૃત્યાંગ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તેણીની આગળ પોતાની કલા અને અભ્યાસને સંયુક્ત રાખી એટલે કે, સાયકોલોજી નૃત્ય થેરાપી દ્વારા માનસિક રીતે પીડીતા લોકોને સ્વસ્થ કરશે તેવો લક્ષ્યાંક છે તેમ તેણીએ જણાવ્યું છે.





